ને... મોદીએ માંગ્યો ગોળા બારુદ !

PTI
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ સામે મુકાબલો કરવા માટે ઝુંટાયેલા સુરક્ષાદળોના અભ્યાસ અર્થે કેન્દ્ર સરકારને રકમ આપીને ગોળા બારૂદની માગણી કરી છે.

ઈંદૌર ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહ પૂર્વે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં કેન્દ્ર સરકારને આડે હાથ લેતા નમોએ કહ્યું કે, યુપીએ સરકાર દેશના સીમાડાના રાજ્યોની રક્ષા કરવામાં પૂરી રીતે નિષ્ફળ નિવડી છે જો તે આ સરહદી રાજ્યોની સલામતી રાખી શકતી ન હોય તો હું ગુજરાતનો મુખ્યમત્રી તરીકે સ્વયં મારા રાજ્યનું રક્ષણ કરવા માટે તૈયાર છું.

ભાજપના રાષ્ટ્રીય પરિષદના ખુલ્લા અધિવેશનમાં આજે અહીં રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર રાખવામાં આવેલા પ્રસ્તાવનું સમર્થન કરતા શ્રી મોદીએ કહ્યું કે, ' કેન્દ્રએ આતંકવાદ વિરુદ્ધ લડવામાં માટે રાજ્યો સાથે તાલમેલ રાખવો જોઈએ અન્યથા આતંકવાદને પ્રોત્સાહન મળતું રહેશે. તેમણે કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને મોકલાયેલા પરિપત્રનો હવાલો આપતા કહ્યું કે, ' તેમાં રાજ્યોને પોતાના સુરક્ષા દળોને ત્રણ વર્ષમાં માત્ર એક વખત જ શસ્ત્ર ચલાવાનો અભ્યાસ કરવા માટે કહેવામાં આવ્યું છે જ્યારે આતંકવાદી સંગઠનો પોતાની દક્ષતા વધારવા માટે એક દિવસમાં ત્રણ-ત્રણ વખત અભ્યાસ કરે છે. આવા સંજોગોમાં સુરક્ષા ટુકડીઓ આતંકવાદીઓનો મુકાબલો કેવી રીતે શકશે તેનો અંદાજો સહેજ જ લગાડી શકાય છે.'

દેશની એકતા અને અખંડતા સાથે કોઈ સમજૂતિ નહીં કરવાની સ્પષ્ટ ચેતવણી આપતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારથી માગણી કરી કે, 'પાકિસ્તાનમાંથી થતી ઘૂસણખોરીને રોકવા માટે જો કેન્દ્ર સરકાર પાસે નાણાની અછત હોય તો હું તેઓ માંગે તેટલા નાણા આપવા માટે તૈયાર છું બસ તેના બદલામાં મને આતંકવાદ સામે લડવાના આધુનિક શસ્ત્રો અને ગોળા બારૂદની ફાળવણી કરવામાં આવે.

રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં અત્યાર સુધી બેકસીટ પર બેઠેલા મોદી આજે ફ્રંટ સીટ પર આવતાની સાથે જ ઉગ્ર મિજાજમાં જોવા મળ્યાં. કેન્દ્ર સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ગંભીર ન હોવાનો આરોપ લગાડતા મોદીએ આતંકવાદીઓ પ્રત્યે તેમની ગોકળગાયની ગતિ જેવી કાર્યપ્રણાલી અને વોટ બેન્કની નીતિને જવાબદાર ઠેરાવી. તેમણે કહ્યું કે, ' છેલ્લા કેટલાયે વર્ષોથી યુપીએ સરકારે પાકિસ્તાનને કાશ્મીરનો મુદ્દો બનાવવા માટે એજન્ડા આપી દીધો છે કારણ કે, તેના માટે દેશથી વિશેષ પક્ષ અને વોટ બેન્કની રાજનીતિ વધુ મહત્વપૂર્ણ છે. તે માનવતા વિહીન આતંકવાદીઓના માનવાધિકારીઓની રક્ષા કરવાનું કામ કરી રહી છે. એટલા માટે તેમની વિરુદ્ધ કઠોર કાયદો ઘડવાનું સાહસ દેખાડી રહી નથી.'

ગુજકોકની મંજૂરીમાં પક્ષપાત

ગુજકોકનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, વિધાનસભા દ્વારા ચાર-ચાર વખત પસાર કરાયેલા ગુજકોક કાયદાને મંજૂરી આપવામાં કેન્દ્ર સરકાર હજુ સુધી પક્ષપાત કરી રહી છે. આતંકવાદીઓના ખાત્મા માટે બનાવામાં આવેલો આ કાયદો મહારાષ્ટ્રમાં બનેલા કાયદા જેવો જ છે તેમ છતાં કેન્દ્ર સરકાર તેને મંજૂરી આપવા માટે તૈયાર નથી.'

ઓળખપત્રમાં ભલામણનો વિરોધ

મોદીએ સીમાડાના ગામોમાં લોકોનું ઓળખ પત્ર માત્ર સરપંચની ભલામણ પર આપવા નિર્ણય પર જોરદાર વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે, વ્યક્તિ વિશેષની પૂરી તપાસ કર્યા વગર ઓળખપત્ર આપવું ખતરનાક સાબીત થઈ શકે છે. મોદીએ પોતાના ચિરપરિચીત અંદાજમાં કહ્યું કે, ગુજરાતમાં તો અમે લડી લઈશું પરંતુ પૂર્વોત્તર રાજ્યો તથા અન્ય સંવેદનશીલ રાજ્યોનું શું થશે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીના પ્રસ્તાવનું સમર્થન કરતા તેમણે કહ્યું કે, દેશની જનતા વંદેમાતરમનું અપમાન કદી પણ નહીં સહન કરે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અને ચીન સાથે સંબંધોને લઈને જે કંઈ પણ થઈ રહ્યું છે તેને પણ સહન કરવામાં નહીં આવે.

વેબદુનિયા પર વાંચો