ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડની બેન્ચે ગુરુવારે આદેશમાં કહ્યું, "અમે ફારૂકને જામીન આપીશું કેમ કે એ પહેલાંથી જ 17 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે." વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને સળગાવવાના કેસમાં ફારૂકને પથ્થરમારાના આરોપમાં જન્મટીપની સજા ફરમાવાઈ હતી.
ચીફ જસ્ટિસે જામીન આપવાનો નિર્ણય લેતાં કહ્યું, "17 વર્ષ વીતી ગયાં છે. દોષી ગણવાના નિર્ણય વિરુદ્ધની એની અરજી વડી અદાલતમાં પેન્ડિંગ છે." સુપ્રીમ કોર્ટે આ જ મામલે 13 મે, 2002ના રોજ અન્ય એક આરોપી અબ્દુલ રહેમાન ધનતિયા ઉર્ફે કાનકટ્ટુને છ મહિનાના જામીન આપ્યા હતા.
અબ્દુલનાં પત્નીને કૅન્સર હતું અને એમની પુત્રીઓ માનસિક રીતે બીમાર હતી.
11 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અબ્દુલની જામીન 31 માર્ચ, 2023 સુધી વધારી દીધી હતી. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.