સર્જિકલ સ્ટ્રાઈક્સ બાદ ગુજરાત બોર્ડર પર હાઈએલર્ટ, સરહદ પરના ગામડાને ખાલી કરવા આદેશ

ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (16:12 IST)
કાશ્મીર સરહદે થયેલા લશ્કરી હુમલાને પગલે ગુજરાત સરકારે સરહદો પર સર્તક રહેવાનો આદેશ કર્યો છે. ગુજરાતમાં 1600 કિલોમીટરની દરિયાઈ સીમા  પર સુરક્ષાબળોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે રાજ્યના મત્સ્યઉદ્યોગ કમિશનર તરફથી આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્રના આદેશ મુજબ ગુજરાતના સરહદી વિસ્તારના 10 કિલોમીટરના ગામોને ખાલી કરવા માટે પણ ગુજરાત સરકારે તંત્રને સૂચના આપી દીધી છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં કોસ્ટગાર્ડ, કસ્ટમ, નેવી સહિતની તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવાઈ છે. ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો અને ઔધોગિક સ્થળો પર પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 'રાઉન્ડ ધ ક્લોક' પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં દૂરબીનો, ટેલિસ્કોપ સાથે જવાનોને ખડેપગે રહેવાનો આદેશ આપી દેવાયો છે અને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા પ્રોક્સીવોર કરીને દેશમાં અસ્થિરતા સર્જવાનો પ્રયાસ થઇ રહ્યો છે ત્યારે ગુજરાતના દરિયા કિનારા અને કચ્છના રણ સાથે પાકિસ્તાન સીધુ જોડાયેલું હોવાથી દરિયાઇ બોર્ડર અને જમીન બોર્ડરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો