IND vs PAK : કોહલીની ટીમ ઇન્ડિયા સામે પરંપરા જાળવી રાખવાનો પડકાર

રવિવાર, 16 જૂન 2019 (11:25 IST)
આમ તો મુકાબલો બે ટીમના ખેલાડીઓ વચ્ચે છે, પણ દર વખતની માફક આ વખતે પણ જાણે બે દેશ વચ્ચે જંગ જામ્યો હોય તેવો જુસ્સો ભારત-પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે.
ભારત અને પાકિસ્તાન કોઈ પણ રમતમાં આમનેસામને હોય ત્યારે ટીમ નહીં પણ બે દેશ રમી રહ્યા હોય તેવી લાગણી વચ્ચે રવિવારે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે.
વર્તમાન ફૉર્મની દૃષ્ટિએ વિરાટ કોહલીની ટીમ ફેવરિટ છે અને તેમાંય આ તો વર્લ્ડ કપ છે જ્યાં પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારત ક્યારેય હાર્યું નથી. આ વખતે પણ એવો જ જુસ્સો જોવા મળે છે કે પાકિસ્તાનને તો પછાડી જ દેવાનું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની રવિવારની લીગ મૅચ ભારતીય સમય મુજબ બપોરે 3.00 કલાકે શરૂ થશે.
IND Vs PAK એટલે રમતગમતના મુકાબલાઓનો મહારાજા
ભારત-પાકિસ્તાનની મૅચ હોય એટલે સૌની નજર હોય
 
ભારત અને પાકિસ્તાન રમતાં હોય ત્યારે માત્ર રમતપ્રેમી જ નહીં પરંતુ બંને દેશના કરોડો નાગરિકોની નજર તે મૅચ પર રહેતી હોય છે અને તેમાંય આ તો ક્રિકેટ છે. કબડ્ડી કે હોકીની મૅચમાં પણ આવો જ ઉન્માદ જોવા મળતો હોય છે.
જોકે દહેશત એક જ છે કે આ વખતના વર્લ્ડ કપમાં ઘણી મૅચો વરસાદે ધોઈ નાખી છે તેવી રીતે આ મૅચ ધોવાઈ જાય નહીં, કેમ કે માન્ચૅસ્ટરમાં રવિવારે વરસાદની આગાહી છે.
વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો હંમેશાં ઇજારો રહ્યો છે. અગાઉ બંને વચ્ચે રમાયેલી તમામ છ મૅચમાં ભારતનો જ વિજય થયો છે.
બંને વચ્ચે 1992માં પહેલી વાર ઑસ્ટ્રેલિયાના સિડની ખાતે મૅચ રમાઈ હતી ત્યારથી 2015માં ઍડિલેડ ખાતેના મુકાબલા સુધીની તમામ મૅચ ભારતે લગભગ આસાન કહી શકાય તેવી રીતે જિતેલી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર