કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને લઘુમતિઓ અંગેનું નિવેદન ભારે પડ્યું, કોંગ્રેસ કાર્યાલયનું નામ ‘હજ હાઉસ’ લખી વિરોધ કરાયો

શુક્રવાર, 22 જુલાઈ 2022 (09:39 IST)
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના લઘુમતિઓ અંગે કરેલા નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની દિવાલ પર હજ હાઉસ લખવામાં આવ્યું છે. તે ઉપરાંત કોંગ્રેસના નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત અને બજરંગ દળના જવલિત મહેતા સહિતના લોકો વહેલી સવારે પાલડી કોંગ્રેસ કાર્યાલય પર પહોંચીને કાળી સહી વડે બહાર લાગેલા નેતાઓના પોસ્ટર પર કાળી સહી લગાવી હતી. કોંગ્રેસ કાર્યાલયની બહારની દીવાલ પર હજહાઉસ પણ લખ્યું હતું. પોસ્ટરમાં જગદીશ ઠાકોરના મોંઢાને શાહીથી રંગી દઈને વિરોધ કરવામાં આવ્યો છે.

આ મામલે VHP ના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, દેશભરમાં જ્યારે જેહાદીઓ તત્વો અરાજકતા ફેલાવી રહ્યા છે. ત્યારે જ તેમને પ્રોત્સાહન આપતાં જગદીશ ઠાકોરનાં લઘુમતી મુદ્દે આપેલા નિવેદનના વિરોધમાં આજે વહેલી સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયનું નામ બદલીને હજ હાઉસ કરીને વિરોધ કર્યો છે.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે બે દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે, દેશની તિજોરી પર સૌથી પહેલો હક લઘુમતિઓનો છે.આ મામલે કોંગ્રેસ તેની વિચારધારા પર અડગ જ રહેશે. આ નિવેદનથી દેશને ખુબ જ નુકસાન થશે તે પણ જાણું છું અને નુકસાનનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ વિચારધારા નહીં છોડે તેમ પણ જગદીશ ઠાકોરે અંતમાં ઉમેર્યું હતું.જગદીશ ઠાકોરના આ નિવેદનને લઈને વિવાદ જાગ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર