ઘોર કળયુગ! વૃદ્ધ માતાને ઢોર માર મારતા દિકરા અને વહુ સામે ફરિયાદ થતાં બંને ફરાર થઈ ગયાં
બુધવાર, 27 જૂન 2018 (12:32 IST)
એકના એક દીકરાને જે જનેતાએ લાડકોડથી ઉછેર્યો તે જ તેની પત્ની સાથે મળી માતાને રૂમમાં ગોંધી રાખતો, ઢોરમાર મારતો અને એક ટંકનું પણ પુરતુ જમવાનું આપતો નહીં હોવાની ફરિયાદ અમરાઈવાડી પોલીસમાં નોંધાઈ છે. પુત્ર અને પુત્રવધુથી કંટાળેલી જનેતાએ તક મળતા અત્યાચારની વાત પોતાની દીકરીને કરતા ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. પોલીસે વૃધ્ધાના દીકરા અને તેની પુત્ર વધુ વિરૂધ્ધ ગુનો નોંધતા બન્ને ફરાર થઈ ગયા હતા. અમરાઈવાડી પી.આઈ ઓ.એમ દેસાઈના જણાવ્યાં અનુસાર, અમરાઈવાડી ગામમાં રહેતો અશ્વિન અને તેની પત્ની પાયલ વૃધ્ધ માતા લલીતાબેન પર છેલ્લા કેટલાય મહિનાઓથી અમાનવિય અત્યાચાર ગુજારતા હતા. વૃધ્ધાના આક્ષેપ પ્રમાણે તેમણે દીકરાને થોડા સમય પહેલા છ લાખ રૂપિયા મકાન લેવા આપ્યાં હતા. આ રૂપિયાનો હિસાબ ન આપવો પડે અને હાલનું વૃધ્ધાનું મકાન પણ પચાવી પાડવાના ઈરાદે તેમને ત્રાસ આપવા લાગ્યા હતા. આક્ષેપ છે કે, વૃધ્ધાને છેલ્લા કેટલાય સમયથી એક રૂમમાં પુરી રાખતા અને દીકરો તથા તેની પત્ની પાયલ અવારનવાર તેને માર મારતા.
પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે, દીકરા અશ્વિન અને તેની પત્ની પાયલે એક દિવસ તેમને ચપ્પુ બતાવી ડરાવ્યાં પણ હતા. આ બન્ને તેને એક ટંકનું પુરતુ જમવાનું પણ આપતા ન હતા. તક મળતા લલીતાબેને આ ઘટનાની જાણ તેમની સાસરે વળાવેલી પાંચ પૈકી એક દીકરીને કરી હતી. જેથી દીકરી ભાઈના ઘરે દોડી આવી હતી અને માતાને મળીને ઘટનાની જાણ પોલીસને કરી હતી. અમરાઈવાડી પોલીસે લલીતાબેનના ઘરે જઈ તેમને રૂમમાંથી બહાર કાઢ્યા હતા અને તેમના દીકરા અશ્વિન તથા પુત્રવધુ પાયલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.