આજના આર્થિક વાતાવરણમાં, મોટાભાગના લાંબા ગાળાની હોમ લોન લેનારાઓના મનમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે તે છે: શું લોનની વહેલી ચુકવણી કરી દેવી વધુ સારું છે કે તેની આખી મુદત પ્રમાણે તેને ચૂકવવી એ વધુ સારું છે?
જો તમે સમગ્ર સમયગાળા દરમિયાન લોન ચૂકવતા રહો છો, તો તમને આવકવેરામાં 2 લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. તેથી પરંપરાગત વિચારસરણી એવી રહી હતી કે તેનાથી લાંબા ગાળાનો ફાયદો થશે.
પરંતુ કોવિડ મહામારી પછી આ વિચારમાં બદલાવ આવ્યો છે. નોકરીની અને આવકની અનિશ્ચિતતાને લીધે, લાંબા ગાળાની લોન લેવી અને સમગ્ર સમયકાળ દરમિયાન તેને ચૂકવવામાં કેટલાંક જોખમો હોઈ શકે છે, તેથી જો તમને લાંબા ગાળાની હોમ લોન લો તો પણ સમય પૂરો થાય તે પહેલાં તેને ચૂકવવું વધુ સારું છે.
બીજો એક તર્ક એવો પણ આપવામાં આવે છે કે લોનની મુદત પૂરી થાય તે પહેલાં લોનના હપ્તામાં થોડી વધારાની રકમ ઉમેરીને ચૂકવવી જોઇએ, જો તમારી પાસે એટલા પૈસા હોય તો.
બીબીસીએ આ વિશે વધુ જાણવા અર્થશાસ્ત્રીઓ અને સલાહકારો સાથે વાત કરી.
હોમ લોન જલદી ભરી દેવાના શું ફાયદા છે
બીબીસી સાથે વાત કરતાં અર્થશાસ્ત્રી અને ચાર્ટર્ડ વેલ્થ મૅનેજર, ગૌરી રામાચંદ્રન કહે છે કે લોન વહેલી ચૂકવી દેવાના ફાયદા છે:
વ્યાજની મોટી રકમ બચાવી શકાય
- દેવા મુક્ત થઈ શકાય
- બીજે રોકાણ માટે નાણાં ઉપલબ્ધ રહે
- નાણાકીય રીતે માનસિક શાંતિ રહે
હોમ લોન જલદી કેવી રીતે ભરી શકાય
ગૌરી રામચંદ્રન હોમ લોન પરિપક્વ થાય તે પહેલા ચુકવણી કરવા વિશે સમજણ આપે છે.
ઉદાહરણ માટે, તમે 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે.
તેના માટે તમે 8.5 ટકા વ્યાજ આપો છો.
જો આપણે આ રકમને 25 વર્ષ માટે માસિક હપ્તા લઇએ તો માસિક 40 હજાર હપ્તો ભરવાનો આવે છે.
ગૌરીનું કહેવું છે કે, આને ત્રણ રીતે ઝડપથી ભરી શકાય છે.
દર વર્ષે હપ્તાની રકમમાં 10% વધારો કરો એટલે કે પહેલા વર્ષમાં દર મહિને રૂ. 40,000, બીજા વર્ષે રૂ. 44,000 પ્રતિ મહિને 10% અને ત્રીજા વર્ષે રૂ. 48,400 પ્રતિ મહિને ફાળો આવશે. આ રીતે સમગ્ર લોન 25 વર્ષની જગ્યાએ 10 વર્ષ અને 2 મહિનામાં ભરી કરી શકાય છે.
જે લોકો વાર્ષિક ધોરણે 10% વધારો કરી શકતા નથી તેઓ 5% વધારો કરે છે, તો તેઓ 25 વર્ષની જગ્યાએ 13 વર્ષ અને 3 મહિનામાં લોન પૂર્ણ કરી શકે છે.
જેઓ તેમ કરી શકતા નથી, તો તેઓ દર વર્ષે વધુ એક હપ્તો ચૂકવી શકે છે - એટલે કે વર્ષમાં 12ને બદલે 13 હપ્તા ભરવાના - તો સમગ્ર લોન 25 વર્ષની જગ્યાએ 19 વર્ષ અને 3 મહિનામાં ચૂકવી શકાય છે.
અર્થશાસ્ત્રી ગૌરીએ કહ્યું કે 2012માં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, જો લોન હપ્તાના સમયગાળા પહેલા ચૂકવવામાં આવે તો કોઈ દંડ કે પ્રી-પેમેન્ટ ચાર્જ લાગવો જોઈએ નહીં.
“જો તમે નિશ્ચિત વ્યાજ દરે લોન લીધી હોય, તો તેને ટૂંકા ગાળામાં ચૂકવવા આવે તો દંડ છે. જો લોન પરિવર્તનશીલ વ્યાજ દર પર હોય, તો તેને ટૂંકા ગાળામાં ચૂકવવા માટે કોઈ દંડ નથી. તેથી જ્યારે તમે ઘર ખરીદો છો ત્યારે તેને પરિવર્તનશીલ વ્યાજ પર લેવી જોઈએ અને તેને ટૂંકા ગાળામાં ભરવાનો વિકલ્પ હોવો જોઈએ."
શું હોમ લોન વહેલા ભરી લેવી યોગ્ય છે?
આ વિશે બીબીસી સાથે વાત કરતાં અર્થશાસ્ત્રી ચિલિપી કહે છે, 'હોમ લોનની ચૂકવણી શક્ય તેટલી વહેલી તકે કરવી વધુ સારું છે.'
ચિલિપી કહે છે કે, લાંબા સમયની હોમ લોન લેવી, જેમ કે, 20 લાખની લોન વીસ વર્ષ માટે લેવી જેથી ઇન્કમ ટેક્સ ઓછું કપાય- એ એક જૂની વિચારસરણી છે.
તેઓ કહે છે કે, "આ વાત 2020 સુધી પણ સાચી હતી. પરંતુ, ત્યાર બાદ, કામ અને કમાણી સ્થિર થઈ ગઈ હતી. પરંતુ હવે તેવું નથી રહ્યું."
"વર્તમાન વાતાવરણમાં વધુમાં વધુ 5 થી 7 વર્ષ માટે લોન લેવી શ્રેષ્ઠ છે."
તે કહે છે કે, જો તમારી પાસે લાંબાગાળાની હોમ લોન હોય તો પણ, જ્યારે તમારી પાસે નોંધપાત્ર રકમ હોય ત્યારે વધારાના માસિક હપ્તાઓ ભરીને અથવા સંપૂર્ણ ચૂકવણી કરીને તેને વહેલું ચૂકવવું શ્રેષ્ઠ છે.
'લાંબા સમયમાં ખોટ વધું છે'
આ વિશે વધું સમજાવતા ચિલિપી કહે છે કે, જો તમે ઍપાર્ટમેન્ટ અથવા એક સમુદાયમાં ઘર ખરીદો છો, તો તેની કિંમતમાં વધારો થવાનો દર ઓછો છે.
"ઉપરાંત, તેનો જાળવણી ખર્ચ, કાનૂની પ્રક્રિયાઓ, સમય સાથે સંકળાયેલા પરોક્ષ ખર્ચ ખૂબ ઊંચા રહે છે. લાંબા ગાળે, ફાયદા વધારે નહીં હોય. તેથી, આજે 35-40 વર્ષની વય જૂથના લોકો માટે લાંબા ગાળાની હોમ લોન લેવી યોગ્ય નથી."
તેઓ કહે છે કે, હોમ લોન ત્યારે જ લેવી જોઇએ જ્યારે તેની અત્યંત જરૂર હોય અને શ્રેષ્ઠ વિકલ્પ એ જ છે કે તેને 5થી 7 વર્ષમાં ભરી લેવામાં આવે.
તેઓ વધુંમાં કહે છે કે, જો હોમ લોન સંપૂર્ણ મુદતમાં ચૂકવવામાં આવે તો કેટલીક બૅન્કો 0.5% થી 1% સુધીનો દંડ વસૂલે છે. તેની ચિંતા કર્યા વિના તેને પાછી ચૂકવી દેવી એ વધુ સારું છે કારણ કે તે લાંબા ગાળાની લોનમાં સંકળાયેલાં જોખમોની તુલનામાં વધુ સારો ઉપાય છે.
'પરિવર્તનીય (વેરિયેબલ) વ્યાજ દર'
જોકે, મોટાભાગની બૅન્કો હવે પરિવર્તનીય વ્યાજ દર પર લોન આપે છે.
તેનો મતલબ એ છે કે, કેન્દ્રીય રિઝર્વ બૅન્કો દ્વારા નિર્ધારિત બેઝ રેટના આધારે દર ચાર મહિને લોનનો વ્યાજ દર બદલાય છે.
તેઓ કહે છે કે, "જ્યારે તમે લોન લો છો ત્યારે તેને પરિવર્તનીય વ્યાજ પર લેવા સંમત થાવ. તેને આગળના સમયગાળામાં વધારી શકાય છે."
તે વધુમાં કહે છે કે, ઉદાહરણ તરીકે, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો હાલમાં હોમ લોન માટે વ્યાજ દર 8.5% છે. આ દરે લોન લેવાથી પરિવર્તનીય વ્યાજ દરો આવનારા 20 વર્ષ વધી શકે છે. પછી આપણે લોન ચૂકવવાની ક્ષમતા ધરાવીશું કે કેમ તે એક સમસ્યા છે.
“આથી જ તમારે હોમ લોન તો જ લેવી જોઈએ જો તે એકદમ જરૂરી હોય. નહિંતર, તમે જમીન અને સોનામાં રોકાણ કરો, તમને તેમાંથી વધુ લાભ મળશે."
'તે બધું તેમની નાણાકીય પરિસ્થિતિ અને માનસિકતા પર આધારિત છે'
અર્થશાસ્ત્રી અને સલાહકાર સોમા વલ્લિઅપ્પન કહે છે કે, આ વિષયમાં કોઈ એક ચોક્કસ રીત ન હોઈ શકે. આ વાત વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિ અને તેના વલણ પર નિર્ભર કરે છે.
તેમના પ્રમાણે, વ્યક્તિને હોમ લોન લેતા પહેલા આ ચાર વાત ધ્યાનમાં રાખવી જોઇએ.
વર્તમાન વ્યાજ દર
લોન ચૂકવવાની ક્ષમતા
કૅશની કેટલી જરૂર છે
ભાવિ વ્યાજ દર અને તમારી ભાવિ નાણાકીય ક્ષમતા
તેઓ કહે છે કે, "ઉદાહરણ તરીકે, ધારો કે તમે રૂ. 30 લાખની હોમ લોન 20 વર્ષ માટે લેવા માંગો છો. જો તમે નિશ્ચિત વ્યાજ દરની લોન લીધેલી છે, તો તેને લંબાવ્યા વિના ઝડપથી ભરી લેવી યોગ્ય છે.”
"જોકે, જો લોન ફ્લોટિંગ વ્યાજ દર પર હોય, અને જો તે જૂની આવકવેરા નીતિ હેઠળ હોય, તો તે લોનના હપ્તાનો સંપૂર્ણ સમયગાળો પૂર્ણ કરવો વધુ સારું છે, જેથી તેમાંથી મેળવેલ લાભોનું અન્ય રીતે રોકાણ કરી શકાય.
તેવી જ રીતે, સોમા વલ્લિઅપ્પન કહે છે કે, હપ્તાના સમયગાળા પહેલા હોમ લોનની પતાવટ કરવી કે સમગ્ર હપ્તાની અવધિ લંબાવવી તે પણ વ્યક્તિના મનોવિજ્ઞાન પર આધાર રાખે છે.
“એક, જો તમારે લોન ચૂકવવાની ક્ષમતા હોય, તો સમગ્ર કાર્યકાળ દરમિયાન લોનની ચુકવણી કરવી વધુ સારું છે.
તેમણે કહ્યું. "બીજું, જો તમને લાગે કે 'હું ઇચ્છું છું કે મારી બૅલેન્સ શીટ દેવાની સમસ્યા વિના સ્વચ્છ હોય', તો જ્યારે નાણાં હાથમાં એકઠા થાય ત્યારે મુદતની સમાપ્તિ પહેલાં લોન ચૂકવવી વધુ સારું છે,"