ભારતનાં પરમાણુ હથિયારો દિવાળી માટે નથી : નરેન્દ્ર મોદી
સોમવાર, 22 એપ્રિલ 2019 (10:50 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત અને રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું.
'ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થનામાં જનસભાને સંબોધતા કહ્યું કે અમે આતંકવાદ અને પાકિસ્તાનને જવાબ આપ્યો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યાર સુધી પાકિસ્તાન પરમાણુ હથિયારોના નામે ડરાવતું હતું પણ ભારતે હવે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ છોડી દીધી છે. આપણાં(ભારતનાં) પરમાણુ હથિયારો શું દિવાળી માટે છે?
બીજી તરફ ગુજરાતના પાટણમાં સભા સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે મેં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો અમારા ઍરફોર્સ વિંગ કમાન્ડર અભિનંદનને નહીં છોડો તો પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
મોદીએ એવું પણ કહ્યું કે અમેરિકાના ટોચના અધિકારીએ નિવેદન કર્યું હતું કે મોદી 12 મિસાઇલ સાથે તૈયાર હતા, સારું થયું પાકિસ્તાને અભિનંદનને છોડી મૂક્યા, નહીં તો એ રાત પાકિસ્તાન માટે કતલની રાત હોત.