'મહા' વાવાઝોડું ગુજરાતની નજીક આવશે, ભારે વરસાદની શક્યતા

શનિવાર, 2 નવેમ્બર 2019 (16:39 IST)
અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું 'મહા' વાવાઝોડું હવે તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. જે હવે અતિ તીવ્ર ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવના છે.
આ પહેલાં અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા અને ઓમાન તરફ ગયેલા 'ક્યાર' વાવાઝોડાના રસ્તે જ 'મહા' આગળ વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ વાવાઝોડું છેલ્લા 6 કલાકથી 24 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
'મહા' વાવાઝોડું લક્ષદ્વીપના ટાપુઓ પાસેથી ઉત્પન્ન થયું હતું. જેના કારણે લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
હાલ આ વાવાઝોડું અરબ સાગરમાં લક્ષદ્વીપના અમીનીદેવીથી પૂર્વ-મધ્યમાં 450 કિલોમિટર દૂર છે.
જે હવે તામિલનાડુના કાંઠાથી દૂર જઈ રહ્યું છે, જેના કારણે રાજ્યમાં વરસાદમાંથી રાહત મળશે.
ક્યારના કારણે ગુજરાતમાં ચોમાસા બાદ પણ કમોસમી વરસાદ પડ્યો હતો. હવે મહા વાવાઝોડું પણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે વરસાદ લાવશે.
 
મહા વાવાઝોડું, ગુજરાત માટે ચિંતા
ક્યાર વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
જેના કારણે અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. હવે મહાને કારણે ફરી ગુજરાત પર વરસાદનો ખતરો છે.
અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર જયંતા સરકારના જણાવ્યા પ્રમાણે એવી પણ શક્યતા છે કે 6 નવેમ્બરથી 7માં આ વાવાઝોડું ગુજરાત તરફ નજીક આવી શકે છે.
તેમણે કહ્યું, "મહા વાવાઝોડું વેરાવળ પાસે દક્ષિણ-પશ્ચિમ તરફ આ વાવાઝોડું આવશે. જેથી ગુજરાતના દરિયાકિનારે પવનની ઝડપ વધી જશે."
"6 નવેમ્બરની સવારથી જ ગુજરાતના દરિયાકિનારે પવનની ગતિ પ્રતિ કલાક 60થી 70 કિલોમિટરની થઈ શકે છે. સાંજ પડતા પવનની ગતિમાં વધારો થઈ શકે છે."
"મહા વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત 6 નવેમ્બરથી ત્રણ કે ચાર દિવસ માટે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વાતાવરણ વાદળછાયું થવાની શક્યતા છે."
ભારે વરસાદને કારણે ફરીથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે કારણ કે હાલ ચોમાસાના પાકની સિઝન છે.
મગફળી, કપાસ, કઠોળ, ડાંગર જેવા પાકોને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે.
વાવાઝોડું ગુજરાતના કાંઠા નજીક આવતાં સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.
 
દરિયો તોફાની બન્યો
હવામાન ખાતાએ માછીમારોને સૂચના આપતા જણાવ્યું છે કે તેઓ 4 નવેમ્બર સુધી દરિયામાં ન જાય.
ગુજરાતના દરિયાકિનારે હાલ કોઈ ચેતવણી નથી પરંતુ 6-7 નવેમ્બરના રોજ વાવાઝોડું નજીક આવતા ગુજરાતનો દરિયાકિનારો તોફાની બનવાની શક્યતા છે.
હવામાન વિભાગની હાલની આગાહી પ્રમાણે વેરાવળ પાસેના દરિયાકિનારા અને વિસ્તારોને વાવાઝોડાના કારણે વધારે અસર થવાની શક્યતા છે.
હાલ અરબ સાગરમાં રહેલું મહા વાવાઝોડું અતિ તીવ્ર ચક્રવાતમાં ફેરવાશે, જેથી દરિયામાં વાવાઝોડના કેન્દ્ર પાસે પવનની ગતિ પ્રતિ કલાક 180 કિલોમિટર સુધી જવાની શક્યતા છે.
હાલ મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવાના દરિયાકિનારે 40થી 50 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર