પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બીબીસીને કહ્યું કે કાશ્મીરના વિવાદિત વિસ્તારને લઈને ભારત સાથે શાંતિ એ સમગ્ર વિસ્તાર માટે એક મહત્ત્વપૂર્ણ બાબત હશે.
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાન આઠ મહિના પહેલાં વડા પ્રધાન બન્યા છે.
તેમણે કહ્યું કે પરમાણુ શક્તિ ધરાવતાં રાષ્ટ્રો એકબીજા સાથે વાતચીત દ્વારા જ પોતાના મતભેદોનો ઉકેલ લાવી શકે છે.
ઇમરાન ખાનનું આ નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં હિંસાની ઘટનાઓના કેટલાંક સપ્તાહો બાદ ભારતમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે.
પુલવામામાં ભારતીય સુરક્ષાદળો પર એક આત્મઘાતી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એક કથિત ઉગ્રવાદી કૅમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો.
ભારતના વડા પ્રધાન અને તેમના દેશને શું સંદેશ આપવા માગશો, આ સવાલ પર ઇમરાન ખાને બીબીસીના જ્હૉન સિમ્પસનને કહ્યું, "કાશ્મીરનો મુદ્દો ઉકેલવો પડશે અને તેને લાંબા સમય સુધી આ રીતે સળગતો ના રાખી શકાય."
તેમણે કહ્યું, "બંને સરકારોનું પ્રથમ કામ એ છે કે ગરીબીને કેવી રીતે ઘટાડી શકે. ગરીબી ઓછી કરવાનો એક રસ્તો એ છે કે અમે એકબીજા સાથેના મતભેદો વાતચીત દ્વારા ઉકેલીએ અને અમારા વચ્ચે કાશ્મીર એક જ મતભેદ છે."