લોકસભા ચૂંટણી 2019 : રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત અનુસાર ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવા કેટલા શક્ય?

મહેઝબીન સૈયદ

મંગળવાર, 26 માર્ચ 2019 (11:04 IST)
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો તેમની સરકાર બની તો દેશના સૌથી ગરીબ 20% પરિવારોને વાર્ષિક 72,000 રૂપિયા દેવામાં આવશે.કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે કૉંગ્રેસ 21મી સદીમાં આ દેશમાંથી ગરીબી હટાવવા માગે છે અને ગરીબોને 6000 રૂપિયા પ્રતિમાસ આપી શકાય છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે કૉંગ્રેસ લઘુત્તમ આવક યોજના લાગુ કરશે. તેમણે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં લઘુત્તમ આવક 12 હજાર રૂપિયા પ્રતિમાસ હોવી જોઈએ. તેમણે કહ્યું, "લક્ષ્ય સુધી પહોંચવા માટે કૉંગ્રેસ પાર્ટી સરકારમાં આવશે ત્યારે દેશના 20% નિર્ધન પરિવારોને 72 હજાર રૂપિયાની વાર્ષિક મદદ કરશે. એટલે કે 6 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે."
 
એટલે કે રાહુલ ગાંધીના પ્રમાણે દેશના દરેક ગરીબને વાર્ષિક 72 હજાર રૂપિયા મળશે. આ સ્કીમનો ઉદ્દેશ દરેક વ્યક્તિની આવક 12,000 રૂપિયા કરવાનો છે.તેનો મતલબ છે કે કોઈ વ્યક્તિની આવક 8000 રૂપિયા છે, તો તેને સરકાર તરફથી 4000 રૂપિયા પ્રતિમાસ મળશે.તો જો કોઈ વ્યક્તિ રૂપિયા 2000 કમાય છે તો તેને સરકાર તરફથી 10000 રૂપિયા આપવામાં આવશે.રાહુલ ગાંધીની સ્કીમના આધારે એક વ્યક્તિ માટે 72 હજાર રૂપિયા રિઝર્વ કરવામાં આવ્યા છે.
 
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારની યોજના જાહેર થવી, તે મનમાં ઘણા સવાલ ઊભા કરે છે. જેમ કે આવું ખરેખર શક્ય બની શકે છે?
 
રાહુલ ગાંધીની જાહેરાતને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કૉંગ્રેસની હારનો સંકેત ગણાવ્યો છે.તેમણે કહ્યું, "જો તમારી હાર પાક્કી હોય તો તમે લોકોને ચંદ્ર આપવાનો પણ વાયદો કરી શકો છો. તેને ગંભીરતાથી કોણ લેશે?"આ સવાલના જવાબમાં રાજકીય વિશ્લેષક અજય ઉમટનું માનવું છે કે તે બિલકુલ શક્ય છે.
અજય ઉમટ કહે છે, "મોદી સરકારે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાની વાત કરી હતી. તેની સરખામણીએ 72 હજાર રૂપિયા વાર્ષિક આપવા વાજબી લાગે છે."
"પણ પછી તેના પર ગંભીરતાથી વાત થવી જોઈએ. ચૂંટણી જીત્યા પછી મુદ્દો ભટકી ન જાય તે પણ જોવું જોઈએ."
આવી જાહેરાત મામલે સવાલ એ પણ ઊભો થાય છે કે યોજના લાગુ કરવા માટે પૈસા ક્યાંથી આવશે?
 
આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું, "અમે ચાર-પાંચ મહિનાથી અભ્યાસ કરી રહ્યા છીએ. અમે દુનિયાના અર્થશાસ્ત્રીઓ સાથે વાત કર્યા બાદ આ યોજના તૈયાર કરી છે. અમારી પાસે બધી જ ગણતરી છે."આ અંગે અજય ઉમટનું માનવું છે કે સરકારી યોજના ચૂંટણી પછી જુમલો ન બની જાય તેવી હોવી જોઈએ.
 
અજય ઉમટ કહે છે, "વર્લ્ડ બૅન્કના આંકડા અનુસાર દેશના 87 કરોડ લોકો આર્થિક રીતે સમૃદ્ધ નથી. તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારની યોજના લાગુ થવી જોઈએ. પરંતુ સાથે સાથે આવી જાહેરાતો સાથે પાર્ટીઓએ એ પણ જણાવવું જોઈએ કે આર્થિક રીતે તમે આ મોડલને કેવી રીતે લાગુ કરશો."
 
"જો સરકાર બની તો પાંચ વર્ષ પછી યોજનામાં સફળતા કેટલી મળી તેના આંકડા પણ રજૂ થવા જોઈએ."તેઓ ઉમેરે છે, "મનમોહનસિંઘના શાસનકાળમાં મનરેગા યોજના લાગુ કરવામાં આવી હતી અને તેને સફળતા પણ મળી હતી. પરંતુ એક યોજનાની સફળતાના આધારે બીજી યોજના જાહેર કરવી તે યોગ્ય નથી."
 
'મતદારોને લાંચ'
 
અજય ઉમટનું કહે છે, "મોદી સરકારે બજેટમાં દરેક ખેડૂતને 6000 રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી હતી. તેમાંથી 1500 રૂપિયા ભાજપ સરકારે ખેડૂતોને ચૂંટણી પહેલાં જ આપી દીધા."
"આ મુદ્દે કૉંગ્રેસનું કહેવું હતું કે આ મતદાતાઓને લાંચ છે. ત્યારે કૉંગ્રેસે વાર્ષિક 72,000 રૂપિયા આપવાની વાત કરી છે તો શું તે લાંચ નથી?"
 
આ મુદ્દા પર સૌથી મોટો સવાલ છે એ 25 કરોડ લોકોની ઓળખ, જેઓ યોજનાના લાભાર્થી બની શકે છે.પણ તે લોકોને ઓળખવા કેવી રીતે? આ સવાલનો જવાબ મેળવવા બીબીસી ગુજરાતીએ અર્થશાસ્ત્રીઓ સાથે પણ વાત કરી.
 
આ અંગે અર્થશાસ્ત્રી જયેન્દ્ર તન્નાનું કહેવું છે, "આ જાહેરાતમાં કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ નથી કરાયો. આ માત્ર એક ચોક્કસ વર્ગને ફાયદો કરાવવાની ગણતરી હોય તેવું લાગી રહ્યું છે."
"130 કરોડ જનતામાંથી 25 કરોડ લોકોને રૂપિયા આપવાનું કેમ નક્કી કરાયું? તેનાથી પણ નીચલા વર્ગના ગરીબ દેશમાં છે."
જયેન્દ્ર તન્નાનું માનવું છે કે 130 કરોડ જનતામાંથી 25 કરોડ લોકોને ઓળખવા એક અઘરું કામ છે.
તેઓ કહે છે, "સવાલ એ ઊભો થાય છે કે 25 કરોડ લોકોને ઓળખવા કેવી રીતે? સરકારે લોકોને આધાર કાર્ડ આપ્યા છે, બીપીએલ કાર્ડ છે પણ તે છતાં તે પૈસાની હકદાર વ્યક્તિને ઓળખવી સહેલી નથી."
"જો દેશની 50% વસતી ગરીબ હોય તો તેના હિસાબે દેશના 60 કરોડ લોકો ગરીબ છે. તેમાંથી 25 કરોડ લોકોને નક્કી કરવા કઈ રીતે શક્ય છે?"
"માત્ર ભારતના નાગરિક હોવાથી કોઈ ગરીબને પૈસા મળે તેવું ન હોઈ, મહેનત કરતા લોકોને રકમ આપવી જોઈએ અને એ લોકોની ઓળખ કરવી સહેલી નથી."
 
બીજી તરફ અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહનું માનવું છે કે આ યોજના લાગુ કરવામાં કોઈ વાંધો નથી.તેમનું કહેવું છે, "સરકાર પાસે બીપીએલ કાર્ડની મદદથી પહેલાંથી જ ગરીબ લોકોની યાદી છે."
"બેઝીક ઇનકમની યોજના યૂરોપના દેશોમાં પણ અપનાવવામાં આવી છે. અને જો એ યોજના આપણે ત્યાં પણ અપનાવવામાં આવે તો તે ખૂબ સારું રહેશે."
"સરકાર માટે પણ 25 કરોડ લોકોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવા તે કોઈ મોટી બાબત નથી."
અનુમાન લગાવવામાં આવે તો આટલી મોટી સ્કીમને લાગુ કરવા માટે આશરે 3 લાખ 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.
 
આવકનો વાયદો અને ઉઠતા સવાલ
 
રાહુલ ગાંધીના વાયદા મામલે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે રાહુલ ગાંધીની ઘોષણાની ટીકા કરી છે. તેમણે ટ્વીટ કર્યું છે, "ચૂંટણી જીતવા માટે જે પ્રકારની ઘોષણાએ પહેલાં કરવામાં આવતી હતી, તેવી જ આ વખતે કરવામાં આવી છે. કૉંગ્રેસ અધ્યક્ષે જે યોજનાની ઘોષણા કરી છે તેનાથી નાણાકીય નુકસાન વધશે, કામ ન કરવા પ્રત્યે લોકોનું વલણ વધશે અને આ યોજના ક્યારેય લાગુ થઈ શકશે નહીં."
 
અન્ય એક ટ્વીટમાં રાજીવકુમારે લખ્યું કે મિનિમમ ઇનકમ ગૅરન્ટીની યોજના દેશના જીડીપીનો 2% ભાગ લેશે અને કુલ બજેટનો 13% ભાગ તેમાં જતો રહેશે. તેનાથી દેશની જનતાની વાસ્તવિક જરુરિયાતો પૂર્ણ થઈ શકશે નહીં.રાજીવકુમારે ત્રીજી વખત ટ્વીટ કરીને લખ્યું કે કૉંગ્રેસ પાર્ટીએ 1971માં ગરીબી હટાઓનો વાયદો કર્યો હતો.
 
વર્ષ 2008માં વન રેન્ક વન પેન્શનનો વાયદો કર્યો. વર્ષ 2013માં ખાદ્ય સુરક્ષાનો વાયદો કર્યો પરંતુ તેમાંથી એક વાયદો પણ પૂરો થયો નથી.આવો જ વાયદો ફરી એક વખત કરવામાં આવ્યો છે.
'
કૉંગ્રેસની આવી જ વ્યૂહરચના મામલે બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસે જાન્યુઆરીમાં અમેરિકાની MIT યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સના પ્રોફેસર અભિજીત વિનાયક બેનરજી સાથે વાત કરી હતી.
 
પ્રોફેસર અભિજીત વિનાયક બેનરજીએ સવાલ કર્યો હતો, "જો કોઈ વ્યક્તિ કામ કરવાનું બંધ કરી દે, અને ગરીબ થઈ જાય, તો પણ તેઓ આ યોજનાનો લાભ મેળવવા હકદાર હશે? એટલે કે કયા આધારે નક્કી થશે કે કોઈ વ્યક્તિ આર્થિક મદદ મેળવવા હકદાર છે." પ્રોફેસર બેનરજી ઉમેરે છે, "અમારું અધ્યયન જણાવે છે કે ગરીબ લોકો અહીં આવીને પછાત થઈ જાય છે અને જે ઓછા ગરીબ હોય છે, તેઓ તેનો ફાયદો ઉઠાવી લે છે."
 
આવું થવા પાછળનું કારણ ઉમેરતા તેઓ જણાવે છે, "કેટલીક હદે ભ્રષ્ટાચારના કારણે અને એ કારણોસર પણ કે તેમને ગરીબ લોકોની સરખામણીએ આ વાતની જાણકારી વધારે હોય છે કે કેવી રીતે યોજનાનો ફાયદો ઉઠાવવામાં આવે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર