શું અલ્પેશ ઠાકોરને કારણે કૉંગ્રેસને ગુજરાતમાં 9 બેઠકો પર નુકસાન થયું?

સોમવાર, 27 મે 2019 (11:31 IST)
2014ની લોકસભા ચૂંટણીનાં પરિણામોનું પુનરાવર્તન થયું હોય તેમ વધુ એક વાર ભાજપે ગુજરાતમાં 26 બેઠકો જીતી કૉંગ્રેસનો સફાયો કર્યો છે. આ ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકીય સમીકરણો પણ ધારાસભ્યોના પક્ષપલટાને કારણે બદલાતાં રહ્યાં. પક્ષપલટાની રાજનીતિથી પક્ષ સામે પોતાના હઠાગ્રહને મનાવવાના રાજકારણમાં એક નામ સૌથી વધારે ચર્ચામાં રહ્યું અને એ નામ છે ઠાકોરસેનાના નેતા અલ્પેશ ઠાકોર.
સામાજિક આંદોલનકારીથી લઈને રાજકારણમાં પગરણ માંડી લોકોની અપેક્ષાઓ પર ખરા ઊતરવાની વાતો કરતાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેક્ષ ઠાકોરને અચાનક જ કૉંગ્રેસ સાથે વાંકું પડ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા પછી 2019મી લોકસભા ચૂંટણીના થોડા સમય અગાઉ જ તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
 
રાહુલ ગાંધીને ભાઈ ગણાવતા અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસને અલવિદા કહેતા પણ વાર ન લગાડી. તેમણે મીડિયા સામે કહ્યું કે કૉંગ્રેસે તેમની માગણીઓ ન માની એટલે તેને નવ બેઠકોનું નુકસાન થયું. 
અલ્પેશે દાવો કર્યો કે જો કૉંગ્રેસે તેમની માગણીઓ માની હોત અને તેઓ સાથે રહ્યા હોત તો કૉંગ્રેસને નવ બેઠકો પર લોકસભા ચૂંટણીમાં જીત મળત. એમના દાવા અનુસાર તેમણે કૉંગ્રેસને હરાવવામાં ભૂમિકા ભજવી.
 
કૉંગ્રેસને હરાવવાના દાવામાં કેટલો દમ?
 
અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધી અને કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે ઠાકોરસેના અને ઓબીસી એકતા મંચે કૉંગ્રેસને હરાવી એવા અલ્પેશ ઠાકોરના દાવા અંગે વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ કહે છે, "અત્યારે બધા જ દાવો કરી શકે છે. અલ્પેશે જ્યારે રાજકારણમાં પગરણ માંડ્યાં ત્યારે લોકોના મનમાં એવી આશા બંધાઈ હતી કે જનઆંદોલનને વાચા આપનાર વ્યક્તિ રાજકારણમાં પ્રવેશ કરી લોકોની સમસ્યાઓને વાચા આપવામાં સફળ રહેશે."
રાજકારણમાં અલ્પેશ ઠાકોરના અસ્તિત્વ અંગે બીબીસી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે રાજકારણમાં હવે અલ્પેશ ઠાકોરના ભવિષ્ય પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. 
 
તેની પાછળનાં કારણો સમજાવતાં તેઓ કહે છે, "રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા અને મહત્ત્વપૂર્ણ કાર્યો એ સફળતાનો આધાર હોય છે. તેમાં અલ્પેશ ઠાકોર પર અતિમહત્ત્વાકાંક્ષા પ્રભાવી રહી."
 
"તેને કારણે તેમણે અવારનવાર રાજકારણમાં ઉતાર-ચડાવનો સામનો કર્યો, એટલું જ નહીં પક્ષપલટાની વાત કરી પક્ષ પર દબાણ ઊભું કરવાની રાજનીતિ કરવામાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો."
 
ગુજરાતના આંદોલન વિશે વાત કરતાં તેઓ ઉમેરે છે, "ગુજરાતની રાજનીતિમાં આંદોલનમાંથી ઊભા થયેલા નેતાઓ પરિપક્વ નથી હોતા તે વાત વધુ એક વાર પુરવાર થઈ છે."
 
"હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર તેનાં જ ઉદાહરણ છે. ત્રણેય યુવાનેતાઓ 'ટુ બી ઓર નોટ ટુ બી'ની માનસિકતાને કારણે રાજકારણમાં ગોથાં ખાતા દેખાયા."
 
સામાજિક આંદોલનને કારણે અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું તે બાબતે વિષ્ણુ પંડ્યાએ કહે છે, "અલ્પેશ ઠાકોરે સામાજિક આંદોલનો યથાવત રાખ્યાં હોત તો વધારે યોગ્ય ગણાત."
 
"આ સમયગાળા દરમિયાન રાજકારણની ધરતી પર પા-પા પગલી માંડતા અલ્પેશને રાહુલ ગાંધીએ નાયબ મુખ્ય મંત્રી બનાવવાની લૉલીપૉપ પકડાવી અને અલ્પેશ ઠાકોર તેમાં ફસાઈ ગયા."
 
ગુજરાતમાં કૉંગ્રેસને નવ બેઠકો પર નુકસાન કરવાના અલ્પેશના નિવેદન વિશે વિષ્ણુ પંડ્યાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "ગુજરાતમાં કૉંગ્રેસની હારના કારણમાં અલ્પેશનો કોઈ ભાગ નથી દેખાતો."
 
"પણ ભાજપને ગુજરાતમાં જે પરિણામો મળ્યાં કે સફળતા મળી તેની પાછળનું કારણ છે ભાજપની ચૂંટણીલક્ષી વ્યૂહરચના."
 
"2014ની ચૂંટણીમાં ગજરાતીઓની માનસિકતા હતી કે વડા પ્રધાનના પદ પર એક ગુજરાતી હોવો જોઈએ."
 
"ત્યારપછીના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરે મજબૂત નેતા તરીકેની છબી બનાવી."
 
"ત્યારે દેશભરમાં એવી લહેર બની કે દેશના નેતા મોદી જેવા મજબૂત હોવા જોઈએ એ જ લહેરમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે."
 
"વળી, નરેન્દ્ર મોદીના વિકલ્પ રૂપે બીજો કોઈ નેતા પણ દેશભરમાં ઊભરી ન શક્યા, તેના કારણે પણ આ સ્થિતિ રહી કે લોકો મોદીલહેરમાં આગળ વધતા ગયા."
 
શું અલ્પેશને કારણે કૉંગ્રેસને નુકસાન થયું?
 
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસે મહામંત્રી બનાવ્યા હતા"
 
"તેમની બધી જ માગણીઓ માની છતાં તેમણે પક્ષવિરોધી પ્રવૃત્તિ યથાવત રાખી. તેને લીધે એવો નિર્ણય પણ લીધો કે પક્ષ છોડી દેવો."
 
વધુમાં તેમણે કહ્યું કે આ મામલે ભાજપ પાસે જવાબ માગવો જોઈએ. આ મામલે વિજય રૂપાણી જવાબ આપે તો સારું.
 
તો કૉંગ્રેસ પ્રવક્તાએ મનીષ દોશીએ અલ્પેશને કારણે કૉંગ્રેસને નુકસાન થયું હોવાની વાતને પણ નકારી હતી.
 
તેમણે વધુમાં કહ્યું, "આ ચૂંટણીનાં પરિણામો અપેક્ષા કરતાં વિપરીત છે પણ જનાદેશને કૉંગ્રેસ સ્વીકારે છે.
 
સાથે જ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો મામલે આગામી સમયમાં પણ અવાજ ઉઠાવી શકાય તે માટેની રણનીતિ બનાવી કૉંગ્રેસ કામ કરશે."
અલ્પેશ ઠાકોરે યોગ્ય સમયે કૉંગ્રેસને અલવિદા કહ્યું?
 
અલ્પેશ ઠાકોર રાજકારણમાં આવ્યા ત્યારથી જ તેમના વિશે કહેવાતું રહ્યું કે તેઓ એક ચોક્કસ ગણતરી સાથે રાજકારણમાં આવ્યા છે. કૉંગ્રેસ સાથે જોડાઈને તેમણે એવું જ ગણિત માાંડ્યું પણ નકામું સાબિત થયું. આખરે લોકસભાની ચૂંટણી પહેલાં તેઓએ કૉંગ્રેસથી છેડો ફાડ્યો. અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણીનાં પરિણામનો અણસાર આવતા જ તેમણે કૉંગ્રેસને અલવિદા કરી દીધી હોવાની ચર્ચાઓ થતી હતી. 
અલ્પેશ ઠાકોર ઑક્ટોબર-2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસમાં જોડાયા હતા. એ સમયે તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સરકાર રચવા માટે કામ કરવાની વાત કહી હતી.
 
વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી જીત મેળવી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે રાહુલ ગાંધી તેમને 'ભાઈની જેમ' રાખે છે. જોકે, આ નિવેદનની વાસ્તવિકતા ટૂંકા ગાળામાં બદલાઈ ગઈ અને સ્થિતિ એ આવી કે અલ્પેશ કૉંગ્રેસ સામે સતત એક પછી એક માગણીઓ મૂકતા ગયા. કૉંગ્રેસનું નેતૃત્વ પણ દબાણમાં આવીને એક પછી એક માગ માનતું ગયું. પણ પછી વાત હદ બહાર નીકળી જતા કૉંગ્રેસ અલ્પેશના હઠાગ્રહને અનુસરવાથી બચવા લાગી.
 
પરપ્રાંતીય પરના હુમલામાં નામ ચર્ચાયું હતું
 
 
ગુજરાતમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી ત્યારે ચર્ચા હતી કે અલ્પેશ ઠાકોર પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે. મીડિયામાં તેમના રાજીનામાની વાત ચર્યાયા પછી તેમણે પત્રકારપરિષદ સંબોધી કહ્યું હતું, "હું ઇમાનદારીથી કહું છું કે મારે મંત્રી બનવું હતું. મને હતું કે હું મારા ગરીબ લોકો માટે કામ કરી શકીશ."
 
દરમિયાન કૉંગ્રેસે પાટીદાર નેતા હાર્દિક પટેલને બિહારમાં પ્રથમ અને દ્વિતીય તબક્કાના મતદાન માટે, ઉપરાંત રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર માટે સ્ટારપ્રચારક જાહેર કર્યા. આ બંને યાદીમાં ઠાકોરને બાકાત રખાયા હતા.આ મામલે વિશ્લેષકો માને છે કે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ બાદ ગત વર્ષે ઑક્ટોબરમાં ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીયો વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઠાકોરસેનાનું નામ ચર્ચાયું હતું.
 
આથી હિંદીભાષી રાજ્યોમાં તેમને સ્ટારપ્રચારક ન બનાવવામાં આવ્યા હોય એ સ્વાભાવિક છે. જોકે, હિંસા દરમિયાન પરપ્રાંતીયોમાં વિશ્વાસ પેદા કરવા અને શાંતિ સ્થાપિત કરવા માટે અલ્પેશ ઠાકોરે ઉપવાસ પણ કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર