આડેધડ લાઇક, સબ્સ્ક્રાઇબ કરતાં ચેતજો, વડોદરાના યુવક પાસેથી સાયબર ઠગોએ આઠ લાખ લૂંટ્યા

શનિવાર, 23 ડિસેમ્બર 2023 (17:17 IST)
વડોદરામાં એક ખાનગી કંપનીમાં એચઆર તરીકે નોકરી કરતી વ્યક્તિ સાથે સાયબર ઠગોએ છેતરપિંડી આચરી છે. યુટ્યૂબમાં વીડિયો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાના નામે રૂપિયા 8 લાખથી વધુની છેતરપિંડી આચરી છે, જેની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી છે.

ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલા સિવાલ એવન્યુમાં રહેતા અને ખાનગી કંપનીમાં એચઆર તરીકે નોકરી કરતા અમી શરદભાઈ સુરાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તારીખ 13/12/2023ના રોજ એક અજાણ્યા વ્હોટ્સએપ પરથી મેસેજ આવ્યો હતો. એમાં એક લિંક હતી, જેમાં યુટ્યૂબ વીડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં મને એ જ દિવસે ટેલિગ્રામ આઈડી પર એક ઇસમ સાથે વાત કરવા કહ્યું હતું. મારી પાસે મારી ઉંમર અને શહેર અંગેની વિગતો ભરવા કહેવામાં આવ્યું હતું અને જે મેં પૂર્ણ કરી હતી. બાદમાં લિંક આધારે વીડિયો સબ્સ્ક્રાઇબ અને લાઈક કરતાં 150 રૂપિયા મારા એકાઉન્ટમાં આવતાં મને આ અંગે વિશ્વાસ આવ્યો હતો. બાદમાં સાયબર ગઠિયાઓએ એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ મગાવ્યો હતો, સાથે જ ટેલિગ્રામ ગ્રુપમાં એક મેસેજ કર્યો હતો. આ માટે 10 ટાસ્ક યુટ્યૂબમાં વીડિયો લાઈક કરવા કહેવામાં આવ્યું અને બાદમાં આવા 21 ટાસ્ક આપ્યા, જે સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હતા. જેથી સમજ ન પડતાં આ ટાસ્ક કઈ રીતે પૂર્ણ કરવા અને નાણાં રિફંડ માટે શું કરવું એ બાબતે માહિતી આપી હતી.

આ ચર્ચા બાદ તારીખ 14/12ના રોજ ટેલિગ્રામ આઈડીધારકે રિસેપ્શનિસ્ટ હોવાનું કહી એક લિંક મોકલી હતી, જેના રજિસ્ટ્રેશન કરવા માટે મને કહેવાયું અને મારો ઈમેલ આઇડી તથા પાસવર્ડ મગાવ્યો હતો. બાદમાં તેને લોગઇન કરી ટાસ્કમાં 50ના બદલે 100 રૂપિયા મળશે એવી લાલચ આપી હતી. બાદમાં ડેટામાં ભૂલ હોવાનું કહી પેમેન્ટ કરવું પડશે એવું જણાવ્યું હતું. ટાસ્ક મુજબ વિવિધ ખાતાંમાં પૈસા ડેબિટ અને ક્રેડિટ થયા હતા. ત્યાર બાદ તારીખ 16/12ના રોજ લિંકમાં ચેક કરતાં 10 લાખ 44 હજાર 903 બેલેન્સ બતાવતું હતું, જે વિડ્રો કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ એ વિડ્રો થયા ન હતા. જેથી મને આ અંગે શંકા જતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદમાં મારી સાથે રૂપિયા 8 લાખ 06 હજાર 872 ભરાવી પરત ન કરતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર