વલસાડ તાલુકાના પારનેરા પારડીના મંદિર ફળિયામાં 8 ડિસેમ્બરના રોજ બંગલાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દીકરીના લગ્ન યોજાયા હતા. જે દરમિયાન મામેરાની વિધિમાં પરિવારના સભ્યો વ્યસ્થ હતા અને અજાણ્યા ઈસમોએ બંગલામાં પ્રવેશી ઉપરના રૂમમાં કબાટમાં મુકેલા સોનાના ઘરેણાં ચોરી કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે ઘટનાની FIR બુધવારે મોડી સાંજે પરિવારના સભ્યોએ 5 શંકાસ્પદ મહિલા સહિત અજાણ્યા ઈસમો સામે FIR નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામના મંદિર ફળિયામાં નીતિનભાઈ રણછોડભાઈ પટેલની દીકરી સેફાલીના લગ્ન 8મી ડિસેમ્બરના રોજ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન વર્ષ 2008થી 2021 વલસાડ અને વાપીના જવેલર્સ પાસેથી સોનાના અલગ અલગ ઘરેણાઓ ખરીદ્યા હતા. લગ્નના થોડા દિવસ પહેલા ઘરેણાં બંગલાના ઉપરના રૂમમાં મુક્યા હતા. કબાટની ચાવી ડ્રેસિંગ ટેબલમાં મૂકી હતી. 8મી ડિસેમ્બરના રોજ સવારે લગ્નમાં મામેરાની વિધિમાં પરિવારના તમામ સભ્યો વ્યસ્ત હતા. જે દરમ્યાન અજાણ્યા ઈસમોએ બંગલાના ઉપરના રૂમમાંથી કબાટ ચાવી વડે ખોલી કબાટમાં અને પેટી પલંગમાં મુકેલા 30.4 તોલાના સોનાના ઘરેણાં અને રોકડા રૂ. 15 હજારની ચોરી કરી ગયા હતા. મામેરાની વિધિ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યો રૂમમાં આવતા કબાટ અને પેટી પલંગનો સામાન વિખેરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. કબાટમાં અને પેટી પલંગમાં ચેક કરતા સોનાના ઘરેણાં મળ્યા ન હતા.