સંઘના આંતરીક સર્વેમાં ખુલાસો થયો હતો કે, ગુજરાતમાં ભાજપની પક્કડ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં ઢીલી પડી રહી છે. તે પછી ભાજપ સંકટ ટાળવા માટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સક્રિય થઇ ગયુ. ભાજપને એ બાબતમાં કોઇ શક નથી કે, આનંદીબેનના નેતૃત્વમાં પક્ષ જનસમર્થન ગુમાવી રહ્યો છે. કથિતરૂપે પીએમ મોદીએ પણ આનંદીબેન પટેલ પાસેથી પોતાના ગૃહ રાજયની કમાન લઇ લેવાનુ મન બનાવી લીધુ છે તેઓ કોઇપણ ભોગે ગુજરાતને ભાજપના હાથમાંથી જવા દેવા નથી માંગતા. પીએમ ઇચ્છે છે કે, ગુજરાતમાં પક્ષની ઘટતી લોકપ્રિયતા ઉપર તત્કાલ કાબુ લઇ લેવો જોઇએ.
આનંદીબેન પટેલ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી છે. તેઓ રરમી મેએ બે વર્ષ પુરા કરી રહ્યા છે. દિલ્હીમાં ભાજપના ટોચના વર્તુળો જણાવે છે કે, આનંદીબેનને સન્માનજનક રીતે બીજે ખસેડી દેવાશે. પક્ષ તેમની વિરૂધ્ધ કોઇ સ્પષ્ટ એકશન નહી લે. પક્ષ તેમને હટાવવા માટે તેમની ઉંમરને ઢાલ બનાવશે. નવેમ્બરમાં તેઓ ૭પ વર્ષના થઇ રહ્યા છે.
સુત્રોનુ કહેવુ છે કે જે ગુજરાત મોડેલને મોદીએ બ્રાન્ડની જેમ ઉપયોગ કર્યો હતો તેની ચમક એ રાજયમાં ઝાંખી પડી રહી છે. ગુજરાતને પીએમ એક મિસાલ તરીકે રજુ કરતા હતા. છેલ્લા 8 મહિનાથી પીએમ ગુજરાતનો હવાલો દેવાથી બચતા હતા. આનંદીબેનને એક મહત્વનુ રાજય સોંપવામાં આવ્યુ હતુ પરંતુ તેમણે તક ગુમાવી દીધી છે. જે ગુજરાત મોડલ ઉપર મોદીને એટલો ગર્વ હતો તે હવે મજાક બનીને રહી ગયો છે. જો કે ભાજપના એક પુર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ છે કે, આનંદીબેને પોતાનુ બ્રાન્ડીંગ નથી કયુ પરંતુ તેમણે સામાજીક સેકટરમાં સારૂ કામ કર્યુ છે.
કહેવાય છે કે, તેમને તેમની કામગીરીના આધારે હટાવાશે પરંતુ અમિત શાહ અને આનંદીબેન વચ્ચે કોલ્ડવોર ચરમસીમાએ છે. અમિત શાહ અને આનંદીબેન બંને મોદીના વિશ્વાસુ છે પરંતુ બંને વચ્ચે એક દાયકાથી કડવાહટ છે. બંને વચ્ચે તાજો વિવાદ પટેલ અનામતને લઇને છે. પાટીદાર આંદોલને આનંદીબેન અને ભાજપ બંને અસહજ સ્થિતિમાં ઉભા કરી દીધા. માનવામાં આવે છે કે, પટેલ આંદોલનને નિપટવાને લઇને આનંદીબેન સાથે ભાજપના ટોચના નેતાઓ સંમત ન હતા. આ મામલામાં પરસેપ્સન મેનેજમેન્ટમાં આનંદીબેન નિષ્ફળ ગયા. સુત્રોનુ કહેવુ છે કે, મુખ્યમંત્રીએ આ મામલામાં અમિત શાહની ભલામણોને ધ્યાને ન લીધી. ખાસ કરીને પોલીસ વિભાગના પોસ્ટીંગને લઇને આનંદીબેને અમિત શાહની વાત ન માની. આંદોલનને નિપટવામાં પોલીસની મહત્વની ભુમિકા હોય છે પરંતુ મુખ્યમંત્રીએ તેને નજર અંદાજ કરી હતી. સુત્રોનુ કહેવુ છે કે, અમિત શાહ જુથે આનંદીબેનને નોનપર્ફોમર સીએમ સાબીત કરવામાં ઘણી મહેનત કરી હતી.
ભાજપના એક નેતાના કહેવા મુજબ બધુ પક્ષની અંદર જ ચાલી રહ્યુ છે. મુખ્યમંત્રી અને તેમના પરિવાર વિરૂધ્ધ પ્રાયોજીત અભિયાન ચલાવવામાં આવ્યુ. ભ્રષ્ટાચારને પ્રાયોજીત રીતે પક્ષની અંદરના હરીફો જ ઉજાગર કરતા હતા. અનારના મામલે સીએમની ઇમેજને ધક્કો પહોંચ્યો. દિલ્હીના સુત્રોના જણાવ્યા પ્રમાણે મોદીએ આનંદીબેનને હટાવવા માટે અમિત શાહ સાથે વાત કરી હતી. પક્ષની અંદર એક જુથનુ માનવુ છે કે, જો ભાજપે 2017માં ફરી સત્તા ઉપર આવવુ હોય તો અમિત શાહને સીએમ બનાવવા જોઇએ. સંઘના એક નેતાના કહેવા મુજબ આનંદીબેનના બદલે નીતિન પટેલ, વિજય રૂપાણી, ભીખુ દલસાણીયા કે બીજા કોઇને કમાન સોપાય તો ફરક નહી પડે. ગુજરાતમાં ભાજપને બે જ લોકો બચાવી શકે છે મોદી અને અમિત શાહ. અમિત શાહને સીએમ બનાવી દેવા જોઇએ.
જો અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ રહેવાનુ પસંદ કરે તો કોઇ પટેલને સીએમની ખુરશી સોંપાશે. જો કે ભાજપના પદાધિકારીઓનુ કહેવુ છે કે, આનંદીબેનને નહી હટાવાય. નેતૃત્વ પરિવર્તનની વાતો એક અફવા જ છે.