મહેશ શાહ પ્રકરણ - રાજકારણીઓ, બિલ્ડરોના નામ જાહેર નહીં કરવા દિલ્હીમાં રણનીતિ ઘડાઇ હોવાની ચર્ચા

સોમવાર, 5 ડિસેમ્બર 2016 (16:52 IST)
એક ભીખારી રાતો રાત કરોડપતિ કૈસે બન ગયા, પોપટલાલ અબ નટવરલાલ બન ગયા, આવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે. ત્યારે 13 હદાર કરોડનું કાળું નાણું જાહેર કરીને આવકવેરાના હાથે લાગેલો ફરાર નટવરલાલ મહેશ શાહ બચી જશે કે સજા ભોગવશે, કે પછી મોટા હાથીઓના નામ જાહેર કરશે એવી ચર્ચાઓએ માર્કેટ ગરમ કર્યું છે.

મહેશ શાહનું પ્રકરણ હવે ખૂબ ચર્ચાસ્પદ બન્યું છે. સોમવારે ફરી એક વાર મહેશ શાહની આઇટી વિભાગ પૂછપરછ કરશે. કાળુ નાણું કોનું છે તે જાણવામાં સૌ કોઇને રસ પડયો છે ત્યારે સૂત્રોનું કહેવું છેકે, દિલ્હીમાં તપાસ કમિટી રચીને સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસો થઇ રહ્યાં છે.મહેશ શાહની શનિવારે આઇટી વિભાગે પૂછપરછ હાથ ધરી છે. કરોડોની જંગી રકમમાં ગુજરાતના ઘણાં મોટા માથા સંડોવાયેલાં છે તે ખુદ મહેશ શાહ જ ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં કબૂલી ચૂક્યો છે. બીજી તરફ, રાજકારણીઓ, બિલ્ડરો અને વેપારીઓના નામ જાહેર થવાની બીકે ફફડી ઉઠયા છે. સોમવારે મહેશ શાહ કોના નામો જાહેર કરે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. ભાજપ સાથે ઘરોબો ધરાવતા મહેશ શાહનો રાજકીય દબદબો રહયો છે. ખુદ સીએ તહેમૂલ શેઠનાનું કહેવું છે કે, મહેશ શાહની રાજકારણીઓ સાથે નજીકના સબંધો ધરાવે છે. સૂત્રોનું કહેવું છેકે, આખાયે પ્રકરણમાં ખુદ અધિકારીઓ દિલ્હીથી માર્ગદર્શન મેળવી રહ્યાં છે.એટલે જ તપાસ કમિટી રચાઇ શકે છે. એમાં ઘણો સમય વીતી જાય તો મોટા માથાના નામો જાહેર થતા અટકી શકે છે. આવી સ્ટ્રેટેજી દિલ્હીમાં ઘડાઇ હોવાની ચર્ચા છે.

વેબદુનિયા પર વાંચો