પ્રદેશ અઘ્યક્ષ અને સીએમ વચ્ચે આંતરિક મતભેદ

સોમવાર, 27 જૂન 2016 (16:32 IST)
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે ચાલતા
ગજગ્રાહથી સૌ કોઈ પરીચિત છે. આ બન્નેના મતભેદના કારણે રાજ્યમાં ભાજપના અનેક નિર્ણયો
આજે પણ અટવાયેલા પડ્યા છે. પરંતુ હવે ગુજરાતના નેતાઓ અને મુખ્યમંત્રી વચ્ચે પણ આંતરીક વિખવાદ
શરુ થયા હોવાના અહેવાલ મળ્યા છે.

મહેસાણા ખાતે યોજાયેલ ભાજપની બે દિવસની પ્રદેશ કારોબારીની પૂર્ણાહુતિ કાર્યક્રમમાં
આનંદીબેન પટેલે એવી ટકોર કરી હતી કે, જો ભાજપના સંગઠનને કાર્યકરો ન મળતા હોય તો
અમારી સખી મંડળની બહેનો નારી અદાલત અને મહિલા આયોગમાં લાખો મહિલાઓ જોડાયેલી છે,
તેની યાદી તૈયાર કરીને લઈ જાઓ. ગામે ગામ આવી મહિલાઓ હશે તો વિધાનસભાની ચુંટણીમાં
૧૦થી ૧૫ બેઠકો વધુ જીતી શકાશે. આનંદીબેન પટેલની આ કટાક્ષનો  જવાબ આપતા હોય તેમ
પ્રદેશ અધ્યક્ષ વિજય રુપાણીએ ૨૦૧૭ની ચુંટણી માટે ૫ લાખ સક્રિય કાર્યકર્તાઓની સેના તૈયાર
કરવાની જાહેરાત કરી દીધી છે.

જોકે, આ બાબતને રાજકીય નિષ્ણાંતો આનંદીબેન પટેલ અને વિજય રુપાણી વચ્ચે ચાલી રહેલ મતભેદના
સુચક માની રહ્યા છે. ભાજપમાં પણ એવી વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે કે, પાર્ટીના આંતરીક
મતભેદના કારણે બુથ લેવલે કામ કરી શકે તેવા સક્રિય કાર્યકરો મળતા નથી. ચુંટણી જીતવા માટે
ભાજપ વર્ષોથી બુથ લેવલનું માઈક્રોલેવલનું પ્લાનિંગ કરતુ આવ્યુ છે. ત્યારે આગામી ચુંટણીમાં
મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સખી મંડળો અને ભાજપના પ્રદેશ પ્રમુખ રુપાણીના કાર્યકરો વચ્ચે
તકરારો સર્જાય તેવા એંધાણ મળી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો