ભૂજમાં પૂર્વ આઈપીએસ ડી.જી.વણઝારાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભૂજના આશાપુરા માતાજીના મંદિરે વણઝારાએ માતાજીના દર્શન કર્યા હતાં. આ પ્રસંગે ડી.જી.વણઝારાએ મુક્ત મને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. પત્રકાર પરિષદમાં વણઝારાએ આતંકવાદ, પાક તરફથી ઘૂસણખોરી અને જો નવ વર્ષ પહેલાં જેલમાં ના જવું પડ્યું હોત તો તેઓ અને તેમની ટીમ દેશ માટે કેવા કાર્ય કરવાના હતાં એની ચર્ચા કરી હતી.
2007માં વણઝારાની ધરપકડ થઈ ત્યારે કચ્છનાં બોર્ડર રેન્જના ડીઆઈજી હતાં. એ રીતે તેમનો કચ્છ સાથે નાતો રહ્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, તેઓ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ, કચ્છની પરંપરા, સભ્યતાથી પૂરા વાકેફ છે. કચ્છ જિલ્લો સરહદી જિલ્લો છે. અહીં દરિયાઈ અને જમીની સીમા પાકિસ્તાનને અડીને આવેલી છે. જેથી અવારનવાર પાક તરફથી આતંકીઓની ઘૂસણખોરી, બિનવારસી બોટ મળવાના બનાવો બની રહ્યાં છે. જે માટે સરકારે તમામ એજન્સીઓએ અને નાગરિકોએ સતત સતર્ક રહેવાની જરૂર હોવા પર વણઝારાએ ધ્યાન દોર્યું હતું.
તેમણે જણાવ્યું હતું. કે સરકારે અને તમામ એજન્સીઓએ એવુ કામ કરવું જોઈએ કે,પાક પ્રેરિત આતંકવાદીઓ દેશમાં ઘૂસે તે પહેલા તેના દેશમાં તેના ગામ કે શહેરના ઘરમાં જઇ તેને ઠાર મારવા જોઇએ. તો જ દેશમાંથી આતંકવાદ નાબૂદ થશે. રાજકારણમાં જશો કે નહી? તેના જવાબમાં વણઝારાએ જણાવ્યું હતું કે, એ માટે તો હજુ સમય છે. પણ જેવી બોલીંગ હશે તેવુ બેટીંગ ચોક્કસ કરીશ જ્યારે હાલ આતંકવાદની નડતી સમસ્યા અંગે બાહોશ અધિકીરીઓને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેને કારણે પોલીસ ડીમોરલાઇઝ થઇ છે જો આવા રાજકીય દેશદ્રોહીઓ દ્વારા ષડયંત્ર કરવામા ન આવ્યા હોત તો આજે પરિસ્થિતિ કંઈક જુદી હોત.