કોરોના કેસ વધતા AMC હરકતમાં- બીજો ડોઝ લીધો નથી એવા તમામ લોકોને આ સ્થળોએ પ્રવેશ આપવામાં આવશે નહીં

શુક્રવાર, 12 નવેમ્બર 2021 (13:50 IST)
દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટ બાદ હવે એકાએક ફરી રાજ્યમાં કોરોનાના કેસો વધવા લાગ્યાં છે. એમાંય સૌથી વધુ કેસ તો અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યાં છે. જેથી મ્યુનિસિપલ તંત્ર ફરી સતર્ક થઇ ગયું છે. તંત્રના અભિયાન હેઠળ કોર્પોરેશને આજથી ફરી વેક્સિનેશન સર્ટિફિકેટ  તપાસવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે અને રિવરફ્રન્ટ, કાંકરીયા સહિત અનેક સ્થળોએ એન્ટ્રી ગેટ પર જ વેક્સિન સર્ટિફિકેટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 
 
દિવાળી પછી કોરોનાના કેસોમાં અચાનક વધારો નોંધાયો છે. અમદાવાદની જ વાત કરીએ તો, લોકો મોટી સંખ્યામાં હવે દિવાળીની રજાઓ માણીને બહારગામથી પરત ફરી રહ્યાં છે, ત્યારે કોરોના વધુ ના વકરે તે માટે તંત્ર સફાળું જાગ્યું છે. કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ ઉપરાંત, શહેરના એન્ટ્રી પોઈન્ટ્‌સ પર ફરી સઘન ચેકિંગ કરવાની કામગીરી શરુ કરવાની તૈયારી કરી લીધી છે.
 
કાળુપુર રેલવે સ્ટેશન પર પણ આજે કેટલાક મુસાફરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમજ વેક્સિનેશન કેમ્પ પણ ઉભો કરવામાં આવ્યો હતો. શહેરમાં એએમટીએસ તેમજ બીઆરટીએસના સ્ટેન્ડ પર પણ ટેસ્ટિંગ કરવામાં આવશે તેવું કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે.
 
ગુરૂવારે 11 નવેમ્બરે રાજ્યમાં 42 નવા કેસ નોંધાયા હતા. જેમા અમદાવાદ (Ahmedabad) શહેરમાં સૌથી વધુ 14 કેસ નોંધાયા છે. જ્યારે 4 શહેર અને 24 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
 
આ સ્થળો પર નહીં મળે પ્રવેશ
જેમાં એ.એમ.ટી.એસ,બી.આર.ટી.એસ. ઉપરાંત કાંકરીયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, સ્વિમિંગ પુલ, લાયબ્રેરી સાથે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જીમખાના, મ્યુનિ.હસ્કતની તમામ કચેરીઓ અને સિવિક સેન્ટરોમાં જે લોકોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે એમ છતાં વેકિસનનો બીજો ડોઝ લીધો નથી એવા તમામ લોકોને આ સ્થળોએ પ્રવેશ આપવામાં આવશે નહીં.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર