શાળા સંચાલકોએ કરી ફી માફીની જાહેરાત, કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ફી નહી વસૂલે શાળાઓ

શનિવાર, 29 મે 2021 (20:19 IST)
એક સમયે કોરોનાકાળમાં ફી મુદ્દે વિવાદના લઇને અમદાવાદની શાળાઓ ખૂબ ચર્ચામાં રહી હતી. ત્યારે આ આ વખતે શાળા સંચાલકોએ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાકાળમાં માતા કે પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ફિ માફીની જાહેરાત કરવામાં આવી છે. જે બાબતે મંડળ તરફથી શાળાઓને જાણ કરવામાં આવશે. 
 
કોરોનાથી મૃત્યુ પામેલા માતાપિતાના બાળકોને 2 વર્ષ માટે અમદાવાદની શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે. વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન મદદ કરાશે. વર્ષ 2020-21માં લીધેલી ફી પરત કરવામાં આવશે. જે બાળકના માતાપિતાને કોરોના થાય તેમની માસિક ફીમાં માફી અપાશે. 
 
અમદાવાદ શહેર સંચાલક મહામંડળ અભિયાન ‘સંગાથ’ મદદરૂપ થશે. 300 જેટલા શાળા સંચાલકોએ મદદ કરવાની તૈયારી દર્શાવી છે. અન્ય શાળાઓ સાથે પણ આ મામલે વાટાઘાટ ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં મહત્તમ શાળા સંચાલકો જોડાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મહત્તમ શાળાઓ જોડાય તેવી શક્યતાઓ પણ છે.
 
શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશ પટેલએ જણાવ્યું હતું કે બાળકોએ શાળા પરિવારના સભ્ય છે, જેના માટે લાગણી છે. ભૂતકાળમાં થયેલ અનુભવોના આધારે શાળા સંચાલક મંડળ જે વિદ્યાર્થીના માતા-પિતાને કોરોના થયો છે, તે મહિનાની ફીમાંથી પણ માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ સંચાલક મંડળ તરફથી શહેરની ખાનગી શાળામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરાઇ રહી છે. વિદ્યાર્થીએ શાળામાં તેના માતા-પિતાના મૃત્યુનું ડેથ સર્ટિફિકેટ શાળામાં આધાર પુરાવા તરીકે દર્શાવશે તો તેને આ લાભ આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર