World Cup ફાઈનલમાં કેટલો સ્કોર રહેશે સેફ, પિચ ક્યુરેટરે આપી મોટી માહિતી

શનિવાર, 18 નવેમ્બર 2023 (13:01 IST)
ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની તમામ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યજમાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભાગ લેવા માટે બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. દરેકની નજર પિચ પર ટકેલી છે. ભારતીય ટીમની છેલ્લી કેટલીક મેચો પહેલા પીચને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જેમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા આઈસીસીએ પીચને લઈને ચાલી રહેલા વિવાદ પર પોતાની સ્પષ્ટતા પણ આપી હતી. હવે ફાઈનલ મેચને લઈને અમદાવાદ સ્ટેડિયમના પીચ ક્યુરેટરે મેચમાં ઉપયોગમાં લેવાનારી પીચ અંગે મોટું અપડેટ આપ્યું છે.
 
કેવો રહેશે પિચનો મિજાજ ?
 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલ મેચને લઈને ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, હાલમાં એ સ્પષ્ટ નથી કે ફાઈનલ માટે નવી પીચનો ઉપયોગ કરવામાં આવશે કે પહેલાથી જ વપરાયેલી પીચ પર આ મેચ રમાશે. બીસીસીઆઈના ચીફ પિચ ક્યુરેટર આશિષ ભૌમિક અને તેમના ડેપ્યુટી તાપોશ ચેટરજીની દેખરેખ હેઠળ ગ્રાઉન્ડસમેન ટાઈટલ મેચ માટે પિચ તૈયાર કરી રહ્યા છે. રાજ્ય એસોસિએશનના ક્યુરેટરના જણાવ્યા મુજબ, જો કાળી માટીની પીચ પર ભારે રોલર્સનો ઉપયોગ કરવામાં આવે તો, ધીમી બેટિંગ પિચ બનાવવામાં આવશે જ્યાં મોટા સ્કોર બનાવી શકાય પરંતુ હિટિંગ સતત કરી શકાતી નથી. 315 રનના સ્કોરનો બચાવ કરી શકાય છે. આવી સ્થિતિમાં લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ માટે બીજી ઇનિંગમાં બેટિંગ કરવી થોડી મુશ્કેલ હશે.
 
આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અહીં  રમાઈ છે ચાર મેચ 
 
વર્લ્ડ કપ 2023માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે, જેમાં એક પણ વખત સ્કોર 300 રનને પાર થતો જોવા મળ્યો નથી. અહીં ટૂર્નામેન્ટનો સૌથી વધુ સ્કોર ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં બન્યો હતો, જેમાં કાંગારુ ટીમે પ્રથમ રમતા 286 રન બનાવ્યા હતા. બાદમાં તેઓએ મેચ પણ 33 રને જીતી લીધી હતી. આ સિવાય ભારતે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. ફાઈનલ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા સિવાય મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ શુક્રવારે સ્ટેડિયમ પહોંચ્યા હતા અને પીચનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર