ગૌતમ અદાણીએ કહ્યું, 5 વર્ષ માટે 2 લાખ કરોડનું રોકાણ અને 1 લાખ લોકોને રોજગારી મળશે
બુધવાર, 10 જાન્યુઆરી 2024 (11:25 IST)
vibrant gujarat summit 2024
- મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન
- વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવ્યા
- 2047 સુધીમાં ભારત પૂરેપૂરું વિકસિત થઈ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બિઝનેસ લિડર્સ અને રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન કર્યું છે.વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવ્યા છે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવ્યા છે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓ આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નરેન્દ્ર મોદી સાથે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિયાલા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યુસી, તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ જોઝ રામોસ હોર્તા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં એકસાથે જોવા મળ્યા હતાં.
ગૌતમ અદાણીએ કહ્યું જી-20ની લીડરશીપે એક બેન્ચ માર્ક સેટ કર્યો
વાઈબ્રન્ટ સમિટમાં બિઝનેસ લિડર્સે સંબોધન કર્યું હતું. ગૌતમ અદાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, 10માં વાઇબ્રન્ટ સમિટનો ભાગ બનવું એ સારી બાબત છે. 2014થી ભારતનો જીડીપી અને પર કેપિટલ ઈન્કમ વધી છે. સોલર એનર્જી પ્લેટફોર્મ અને જી-20ની લીડરશીપે એક બેન્ચ માર્ક સેટ કર્યો છે. પ્રધાનમંત્રીજી, તમે ભવિષ્ય ભાખતા નથી પણ તેને આકાર આપો છો. હજુ ઘણું સારું થવાનું બાકી છે. 2047 સુધીમાં ભારત પૂરેપૂરું વિકસિત થઈ જશે. 2025 સુધીમાં 55 હજાર કરોડનું રોકાણ કરવાનું કહ્યું હતું જેમાં લગભગ 50 હજાર કરોડનું રોકાણ તો થઈ ગયું છે. કચ્છના ખાવડામાં 30 ગીગા વોટની રિન્યુએબલ એનર્જી બને એ પ્રકારનો પ્લાન્ટ નાખીશું. ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરીશું જેમાં સોલાર પેનલ, વીન્ડ ટર્બાઈન, કોપર અને સમિનેટ્ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આગળના 5 વર્ષ માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને 1 લાખ લોકોને રોજગારી મળશે. ખાવડા પાસે 720 કિમીનો ગ્રીન એનર્જી પાર્ક બનશે જે અવકાશમાંથી પણ દેખાય છે.
મુકેશ અંબાણીએ કહ્યું મને ગુજરાતી હોવાનું અભિમાન છે
રિલાયન્સના મુકેશ અંબાણીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, કોઈ એવી સમિટ નથી જે આટલા સમય સુધી સતત ચાલી હોય. કેટલાંક લોકો પૈકી હું એવો છું જે દરેક સમિટમાં ભાગ લઈ શક્યો છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. નવું ગુજરાત - આ બદલાવ એક નેતાને કારણે આવ્યો છે. આપણા સમયના વૈશ્વિક નેતા - નરેન્દ્ર મોદીને કારણે આવ્યો છે. મોદી હે તો મુમકિન હે - નો અર્થ શું છે એમ મારા વિદેશના મિત્રો પુછે છે તો હું કહું છું કે, ભારતના વડાપ્રધાન વિઝનનું અમલીકરણ કરે છે, અશક્યને શક્ય બનાવે છે. મારા પિતા ધીરૂભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભુમિ રહેશે. હું આજે ફરી કહું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે. રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે જેથી જેમાંથી એક તૃતિયાંશ ગુજરાતમાં જ રોકાણ કર્યું છે.
જાપાનના સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ શિહિરો સુઝુકીએ સંબોધનમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન મોદીનો ખૂબ સપોર્ટ રહ્યો છે. ઓટોમોબાઈલ માર્કેટમાં ભારત આગળ વધ્યું છે. ભારતમાં પ્રોડક્શન કેપેસિટી વધી છે. 1.7 ગણું પ્રોડક્શન અને 2.7 નિકાસની અમે 10 વર્ષ પહેલા અપેક્ષા રાખતા હતા પણ અમને સપોર્ટ મળ્યો છે એટલે અમે આગળ પણ રોકાણ કરીશું. ભારતમાં પ્રોડક્શન કરીને જાપાન અને યુરોપિયન દેશમાં એકસપોર્ટ કરીશું. ઈવી પ્રોડક્શનને પણ વધારીશું અને 204 કરોડ રૂપિયાનું રોકાણ કરીએ છીએ. 2.5 લાખ યુનિય પ્રતિ વર્ષ ઉત્પાદન કરી શકશે. 7.5 લાખ 1 મિલિયન યુનિટ સુધી ઉત્પાદન થશે. બીજા પ્લાન્ટના માટે અમે 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છીએ.
લક્ષ્મી મિત્તલે કહ્યું 2047ના વિઝનને પૂરુ કરવા માટે અમે તૈયાર છીએ.
ગ્લોબલ બિઝનેસ લીડર લક્ષ્મી મિત્તલે તેમના સંબોધનમાં જણાવ્યુ હતું કે, ગત વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં હું આવ્યો હતો, જેમાં વડાપ્રધાન મોદીએ વન અર્થ, વન ફેમિલી, અને વન ફ્યુચરની વાત કરી હતી. ગુજરાતમાં ફેર ટ્રાન્સપરન્ટ અને પોલસી ડ્રાઈવન સરકારની ઓળખ રહી છે. જે અન્ય રાજ્યથી અલગ છે. એટલે અમારી કંપની પણ અહીં રોકાણ કરી રહી છે. આજથી 4 વર્ષ પહેલાં અમારી કંપની અહીં કામ શરૂ કર્યું હતું. 2026 સુધીમાં અમારો પ્રોજેકટ પૂરો થઈ જશે. જ્યારે આ પ્રોજેકટ પૂરો થશે ત્યારે 2400 મિલિયન ટન સ્ટીલ પ્રોડક્ટ કરી દેશમાં નંબર વન બની જશે. 2047ના વિઝનને પૂરુ કરવા માટે અમે તૈયાર છીએ. અમને વિશ્વાસ છે કે ગુજરાત સરકારની સાથે અમે આ પ્રોજેક્ટ જલ્દી પૂરા કરીશું.