ઇંગ્લેન્ડના વિકાસમાં પણ ગુજરાતીઓનું મહત્ત્વનું યોગદાન

ગુરુવાર, 8 જાન્યુઆરી 2015 (17:11 IST)
તેરમા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ યોજાયેલા યૂથ પ્રવાસી ભારતીય દિવસના ઉદ્ઘાટન પ્રસંગે મેમ્બર ઑફ પાર્લામેન્ટ અને યુનાઇટેડ કિંગડમ પ્રાઇમ મિનિસ્ટર્સ ડાયસ્પોરા ચેમ્પિયન પ્રીતિ પટેલે ઇન્ડિયન ડાયસ્પોરાના વૈશ્ર્વિક મહત્ત્વને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આજે ભારતનું અને ભારતીયોનું વૈશ્ર્વિક મહત્ત્વ વધ્યું છે. તેમણે બ્રિટન અને ઇન્ડિયાના સંબંધોને મહત્ત્વપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે, બ્રિટનમાં ૧.પ મિલિયન ભારતીયો વસે છે. એટલું જ નહીં, લેસ્ટર જેવા શહેરો તો ગુજરાતીઓની ઓળખસમા બની ગયાં છે. પ્રીતિ પટેલે ઇંગ્લેન્ડના વિકાસમાં ગુજરાતીઓના યોગદાનને પણ મહત્ત્વનું ગણાવ્યું હતું. તેમણે ઇન્ડિયા અને યુ.કે.ની ફાઇનાન્શિયલ પાર્ટનરશિપ તેમજ પરસ્પરના વ્યૂહાત્મક સહયોગને મહત્ત્વના ગણાવી ઉમેર્યું હતું કે, બંન્ને દેશોના મહત્ત્વપૂર્ણ સંબંધોમાં યુવાવર્ગની ભૂમિકા અત્યંત મહત્વની છે.

યુવાનોને દેશના ભવિષ્ય અને વિઝન ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, વિકાસની વૈશ્ર્વિક દેાડમાં શિક્ષણ, તાલીમ દ્વારા યુવાનોએ સજ્જતા કેળવવી પડશે. તેમણે શિક્ષણને જ સફળતાની ચાવીરૂપ ગણાવી જણાવ્યું હતું કે, યુ.કે.-ઇન્ડિયા એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ એક લાખ વિદ્યાર્થીઓ બ્રિટનમાં શિક્ષણ મેળવે છે, તો બ્રિટિશ વિદ્યાર્થીઓ પણ ભારતમાં વિવિધ અભ્યાસક્રમોમાં શિક્ષણ મેળવે છે. તેમણે બિનનિવાસી ભારતીયોને સાંસ્કૃતિક દૂત ગણાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો