ચાર દેશોના પ્રધાનમંત્રીઓ વાયબ્રન્ટ સમિટના મહેમાન બનશે

શનિવાર, 6 ડિસેમ્બર 2014 (12:19 IST)
આ વખતની વાયબ્રન્ટ સમિટ ખૂબ જ ધમાકેદાર હશે અને તેમાં અસંખ્ય મહાનુભાવો ગાંધીનગરના મહેમાન બનશે. વિદેશી મહાનુભાવોમાં નેધરલેન્ડ, ડેનમાર્ગ, સિંગાપોર અને ભૂતાનના પ્રધાનમંત્રીઓનો સમાવેશ થાય છે. વિદેશી મહાનુભાવોની આગતા સ્વાગતા માટે ગાંધીનગરને સજાવવામાં આવી રહ્યું છે.

આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના ડેલીગેટ્સ મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૫માં ૧૫ રાજયોના મુખ્યમંત્રીઓ મહેમાન બનવાના છે. ચાર દેશોના પ્રધાનમંત્રીઓ વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેવાના હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ આ વાતને સમર્થન આપ્યું છે. ડેનમાર્કના પ્રધામંત્રી હેલે થોર્નિંગ, નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુથ, સિંગાપોરના પ્રધાનમંત્રી ટ્રેશીંગા ટોબગે વાઈબ્રન્ટ સમિટના મહેમાન બનશે. આ મહાનુભાવોની સાથે યુએનના સેક્રેટરી જનરલ બાન કી મૂન પણ ઉપસ્થિત રહેશે. જાન્યુઆરી ૧૧ થી ૧૩ ૨૦૧૫ દરમ્યાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટ યોજાશે. જાપાનના પ્રધાનમંત્રી શીન ઝો એ બે અને ઓસ્ટેલિયાના પ્રધાનમંત્રી ટોની એબોટ પણ કદાચ વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેશે તેવી શકયતા છે. જો કે તેમના આગમનને હજુ સુધી સમર્થન મળ્યું નથી.
આ વખતે આઠ દેશો વાઈબ્રન્ટ સમિટના કન્ટ્રી પાર્ટનર તરીકે રહેશે. જેમાં અમેરીકા, યુ.કે., જાપાન, કેનેડા, નેધરલેન્ડ, સીંગાપોર, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ દેશો ઉપરાંત ૧૫૦થી વધુ દેશો વાઈબ્રન્ટ સમિટનું કવરેજ કરશે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે યોજાયેલ વાઈબ્રન્ટ સમિટ ભવ્યાતિભવ્ય હશે તેમાં કોઈ બેમત નથી.

વેબદુનિયા પર વાંચો