વાયબ્રંટ ગુજરાતના નામ પર ગુજરાત સરકારે પાવર સેક્ટરમાં (ઉર્જા ક્ષેત્ર)2,11,895 કરોડ રૂપિયાનુ ધિરાણ આવી જશે તેવી જાહેરાતો કરી હતી. ઉર્જા ક્ષેત્રના આ 31 એમ.ઓ.યુ મારફત 58,000 લોકોને રોજી-રોટી મળી જશે તેવી પણ જાહેરાતો કરી હતી, પરંતુ હકીકત એ છે કે આ 31 એમ.ઓ.યુમાં એકપણ કિસ્સામાં જાહેરાતને અનુરૂપ કોઈ જ પ્રગતિ થઈ નથી.
વાયબ્રંટ ગુજરાતના પ્લેટફોર્મને માત્ર મજાક તરીકે ઉપયોગમાં લેવાયુ છે. કંપનીઓએ એમ.ઓ.યુની ખોટી જાહેરાતો દ્વારા માત્ર મુખ્યમંત્રીની વાયબ્રંટ ગુજરાતના મોટા આંકડા દેખાડવાની ઈચ્છાને પૂર્ણ કરી છે અને પોતાની કંપનીના શેરના ભાવ ઉંચકવા માટે વાયબ્રંટ ગુજરાતનો ઉપયોગ કર્યો છે. કેટલાક લોકોએ ફળદ્રુપ અને કિમંતી જમીનો એમ.ઓ.યુના આધાર પર હસ્તગત કરી લીધી છે. તેમ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગહલોતે જણાવ્યુ હતુ.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ઉર્જાની માંગને પહોંચી વળવા માટે લાંબગાળાના ઉર્જા ખરીદીનો કોંટ્રેક્ટ બદઈરાદાથી કરવામાં આવતા નથી અને ટૂંકાગાળાની વિજળીની ખરીદી માનીતી બે કંપનીઓ પાસેથી ગુજરાત સરકાર કરી રહી છે. વીજળીની ટૂંકાગાળાની ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાત સરકારની આ પદ્ધતિની ભયંકર ટીકાઓ કરેલી છે. કાગળ ઉપરના કરારો ગુજરાતની વિજ માંગ કરતા અનેકગણા વધારાના થાય છે. પરંતુ હકીકતમાં ગુજરાતની જરૂરિયાત મુજબની વીજળીનુ ઉત્પાદન નહી કરીને માનીતી કંપનીઓને માલામાલ કરવાનુ કામ કરવામાં આવે છે.
તેમણે કહ્યુ હતુ કે ગુજરાત સરકારે સ્પષ્ટ જાહેર કરવુ જોઈએ કે ગુજરાતમાં જે એમઓયુ થાય છે તે એમઓયુ કરનારી કંપનીઓ કોલસો ક્યાથી લાવવાની છે અને ગુજરાતના સંસાધનો વપરાયા પછી આ પાવર કોને વેચવાનો છે. ગુજરાતમાં ભયંકર પ્રદૂષણને આમંત્રણ આપીને તથા આપણા સંસાધનોને અને દરિયાકિનારાને નુકશાન કરવા માતે એમઓયુ કરવાનો અર્થ શુ છે ? માનીતી કંપનીઓને માલામાલ કરવા માટે ગ્રીન એનર્જીના નામે એમઓયુ થઈ રહ્યા છે. હકીકતમાં રાજ્ય સરકારે ગ્રીન એનર્જીની વીજળી ખરીદવાનો કોંટ્રાક્ટ કરતા પહેલા ટેંડર બહાર પાડવા જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ ગુજરાતને આપવામાં આવેલો છે અને તે સંજોગોમાં લાંબાગાળાના જરૂરિયાત મુજબના પાવર ખરીદીના ટેંડરથી કોંટ્રેક્ટ કરવાના બદલે માનીતાઓ સાથે મનફાવે તેવા કોંટ્રેક્ટ અને એમઓયુ વાયબ્રંટ ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે જ થઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાએ મુખ્યમંત્રીને ચેલેંજ કરી છે કે જો અમારી વાત ખોટી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી જાહેર મંચ પર વાયબ્રંટ ગુજરાતના એમઓયુ અને ઉદ્યોગપતિઓને આપેલી જમીનો અંગે ચર્ચા કરે.