Makar Sankranti - મકર સંક્રાંતિ એટલે દાન-દર્શન અને આરોગ્યમય પર્વ

ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (09:29 IST)
ગુજરાતનાં લોકો ઉત્સવ પ્રિય છે. ઉત્સવો દરેકના હૃદયમાં આનંદ, ઉલ્લાસ અને પ્રફુલ્લિતા આપતા રહ્યા છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ ને તે સ્થિતિ અનુસાર તેવા પર્વોની કટીબદ્ધતા અને તેનું મહત્વ પણ છે. આયુર્વેદે ભારતીય સંસ્કાર, માનવ સ્થિતિ અને ભારતવાસીઓની પ્રકૃતિ પ્રમાણેના આહાર- ઔષધીનું અભ્યાસ કરાવતું શાસ્ત્ર છે. આથી તેમાં આપણી ધાર્મિકતા અને આરોગ્યનું સમન્વય કરીને ૠતુ ૠતુ પ્રમાણેના આહાર વ્યાયામ રહેણી, કરણી વિગેરેનું વર્ણ આપેલ છે.

૧૪ જાન્યુઆરીથી સૂર્યની ગતિ ઉત્તર તરફ જતી હોવાથી આ પર્વને ઉત્તરાયણનું પર્વ કહે છે. આપણા દેશમાં સૂર્યની ગતિ સાથે જ અનેક નાના મોટા પરિવર્તનો આવે છે. દિવસ અને રાત આ સૂર્ય અને પૃથ્વીની ગતિની ફલશ્રુતિ છે. દિવાળી પછી હેમંત અને શિશિર જેવી ઠંડી ૠતુઓ આવે છે. ઠંડી હોવાથી માનવીના શરીર ઉપર સ્પષ્ટ રીતે જુદા ફેરફારો પડે છે. ચામડી ફાટી જાય, હોઠ ફાટી જાય, શરીરમાં રૂક્ષતા આવે, વૃદ્ધાવસ્થામાં વાયુના સુળ નિકળે, ચામડીના છિદ્રો બંધ થઇ જાય એટલે પરસેવાથી બહાર નીકળતા લોહીના ઝેરી તત્વો ચામડીની નીચે જ સંગ્રહ થાય અને પરિણામે લોહીના કે ચામડીના ઘા ભા થાય.

આવા ઠંડા હવામાનમાં શરીરની ગરમી ટકી રહે, પાચન સુધરે શરીર સશકત બને તે માટે આ ૠતુમાં પાક પકવાન, ઘી તેલ, મરી મસાલા પીપરીમુળ, શતાવરી વગેરે મિશ્રણો સાથે ચ્યવનપ્રાશ અડદીયા પાક અંજીરપાક વિગેરે લે છે. તલનું તેલ ચામડી તથા શરીર માટે શીંગતેલ કરતાં વધુ લાભપ્રદ છે. આથી આ ૠતુમાં તલના તેલનો પ્રયોગ તથા ગાયના ઘીનો પ્રયોગ વધુ લાભપ્રદ હોય દરેકે લેવા યોગ્ય છે.

મધ્યમવર્ગના માણસો માટે તલપાક, શીંગપાક, તલની લાડુડી, પકવાન, ખાસ ઇચ્છનીય છે. ગોળ પણ ગરમી આપી શરીરની ઉર્જા ટકાવવામાં લાભપ્રદ છે. આથી ઘીગોળ સાથે આવા પાકો પ્રચલિત છે.
ગરીબો માટે રીંગણાને ભઠ્ઠે શેકી ઓછા તેલમાં બાફેલ શાક રોટલાને ગોળ પણ ઉત્તમ છે. સાથોસાથ આંબળા બોર, શેરડી સર્વેને પોસાય તેવા છે. આ ૠતુમાં શરીરમાં સંગ્રહ કરેલ પ્રયોગ પણ સ્નાયુને મજબુત કરે છે. આમ આ ૠતુના આહાર વ્યાયામને માલિશ શરીરમાં અનેક રોગો સામે લડવાની શકિતને દ્રઢતા આપનારૂ હોય આ પર્વ દ્રઢતાનું છે.

સૂર્ય જગતનો પિતા છે સમગ્ર કાળ તેમાંથી ચાલે છે. તેના દર્શનથી પ્રેરણા અને કૃતજ્ઞતા વ્યકત થાય છે. રોજ સવારે સૂર્યને નમસ્કાર કરી દર્શન કરવાથી ઘરમાં દારીદ્રતા આવતી નથી. પરંતુ આજકાલ દોડાદોડમાં આપણે તેવું ન કરી શકીએ તો આ પર્વમાં સવારે ઉઠીને વહેલા પહોરે દર્શનનો લાભ લઇ શકીએ માટે પતંગની પ્રથા પણ પડી છે. વળી પતંગની દોડાદોડીમાં વ્યાયામ પણ થાય છે. સહુ સાથે મળી પાક, લાડુ વગેરે ખાય છે. આંગણે આવેલા ગરીબોને પણ જોઇ શકે કંઇક દઇ શકે. માટે આખો દિવસ અગાસીમાં કાઢે છે. માનવ માનવનાં દર્શન કરી આડોસપાડોસ સાથે આપલે કરી મિત્રતા વધારે માનવ સૃષ્ટિના દર્શન કરી પર્યાવરણ પૂર્વે, સૂર્યના દર્શન કરી કૃતજ્ઞતા દર્શાવીએ અને પ્રાથીયે હે સૂર્યનારાયણ દેવતા દર વર્ષે અમે અમારા આવા દર્શન કરી ધન્યતા મેળવીએ અમારા આયુષ્યની તથા સંપત્તિની સુરક્ષા કરશો. આમ આ પર્વ દર્શનનું પણ મહત્ત્વ આપે છે.
આથી આ મકરસંક્રાંતિનું પર્વ આરોગ્યમય શારીરિક સ્થિતિ, દાન, દયા અને દર્શનની માનસિક સ્થિતિ અને પરમ બળ મેળવ રોગ સામે દ્રઢતા કેળવવાની સ્થિતિનું સુંદર સમન્વય કરતું આધ્યાત્મ અને આરોગ્યલક્ષી ઉત્તમ ઉત્સવ પ્રિય પર્વ છે.

સાભાર - શૈલેષ ભટ્ટ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર