UP Election 2022- પ્રિયંકા ગાંધી 125 ઉમેદવાર કર્યા જાહેર: ઉત્તરપ્રદેશ ચૂંટણીની કૉંગ્રેસની પ્રથમ યાદી જાહેર, ઉન્નાવ રેપ પીડિતાનાં માતાને પણ ટિકિટ

ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (16:14 IST)
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં કૉંગ્રેસે 125 ઉમેદવારોની જાહેરાત કરી, જેમાં 50 મહિલાઓ સામેલ છે.
 
પ્રિયંકા ગાંધીએ ગુરુવારે પત્રકારપરિષદમાં ખાસ કરીને મહિલા ઉમેદવારોનો ઉલ્લેખ કર્યો અને આ અંગે જાણકારી આપી.
 
જે મહિલા ઉમેદવારોને કૉંગ્રેસે ટિકિટ આપી છે, તેમાં એક નામ ભારે મહત્ત્વનું છે.
 
કૉંગ્રેસે ઉન્નાવ રેપ પીડિતાનાં માતા આશાસિંહને ટિકિટ આપી છે. આ કેસમાં કુલદીપ સેંગર પર રેપ અને હત્યાનો આરોપ લગાવાયો હતો.
 
આ ઉપરાંત કેટલાક પત્રકારો અને સામાજિક કાર્યકરોને પણ ટિકિટ આપવામાં આવી છે.
 
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું, "અમે પ્રયાસ કર્યો છે કે સંઘર્ષશીલ અને એવા ઉમેદાવારો હોય જે રાજ્યમાં નવું રાજકારણ રમે. આમાં 40 ટકા મહિલાઓ અને 40 ટકા યુવાનો સામેલ છે. મહિલા ઉમેદવારોમાં કેટલાક પત્રકાર, એક અભિનેત્રીનો સમાવેશ કરાયો છે."
 
તેમણે આશાસિંહના નામ અંગે જાણકારી આપતાં કહ્યું, "તેઓ પોતાનો સંઘર્ષ ચાલુ રાખવા માગે છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ સત્તામાં આવે અને પોતાની લડાઈ જાતે જ લડે."
 
આ ઉપરાંત જે મહિલાઓ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં શાહજહાંપુરનાં આશાવર્કર પૂનમ પાંડે પણ સામેલ છે.
 
પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે તેમની સાથે મારપીટ કરાઈ હતી.
 
સદફ જફરને પણ ટિકટ આપવામાં આવી છે, જેમની સીએએ વિરુદ્ધ પ્રદર્શન બદલ ધરપકડ કરવામાં આવી હતી.
 
કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, "ઉન્નાવમાં જે પુત્રી સાથે ભાજપે અન્યાય કર્યો તે હવે ન્યાયનો ચહેરો બનશે. લડશે, જીતશે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર