ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા...

ગુરૂ-શિષ્‍યનો સંબંધ માતા-પુત્ર, પિતા-પુત્ર અને સખા જેવો હોવો જોઈએ, માઁ જેવી રીતે પુત્રને પ્રેમ કરે તેવી રીતે ગુરૂ શિષ્‍ય સાથે પ્રેમથી વર્તન કરે. ‍પિતા જેવી રીતે કઠોર બનીને એક પુત્રને દંડ કરે તેમ ગુરૂએ પણ પ્રસંગોપાત કઠોર બનીને પોતાના શિષ્યને શિક્ષા કરવી જરૂરી છે. અને ‍જેમ સાચો મિત્ર આપણને સારાનરસાની સલાહ આપે છે તેમ ઉત્તમ ગુરૂ પણ પોતાનાં શિષ્‍યને જ્ઞાન આપે છે.

આપણે દ્વિતીય રાષ્‍ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણનાં જન્મ દિવસ 5મી સપ્ટેમ્બરને ભલે શિક્ષક દિવસ તરીકે ઉજવતાં હોઈએ, પરંતુ આજનાં આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના સંબંધો પર દ્રષ્‍ટી કરતાં શિક્ષક અને વિદ્યાર્થીઓનાં સંબંધો અગાઉના સમય જેવા પવિત્ર રહ્યાં નથી.

આજે ભારતમાં ગુરૂનાં મહત્વને સમજવા માટે ભલે વર્ષમાં ગુરૂ પૂર્ણિમાં અને શિક્ષક દિવસ એમ બબ્બે તહેવાર ઉજવવામાં આવતાં હોય, પરંતુ આજનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં કારસ્તાનના કારણે આપણે સૌએ જરૂરથી વિચારવું પડે છે કે આજનો સમય આખરે ક્યાં આવીને ઉભો રહ્યો છે ?

ND N.D  
પ્રાચીનકાળમાં ભારતમાં સાંદિપની, ‍વશિષ્‍ઠ, દ્રોણાચાર્ય અને રામકૃષ્‍ણ પરંમહંસ જેવા યશસ્વી ગુરૂ અને કૃષ્‍ણ, રામ, અર્જુન, એકલવ્ય અને વિવેકાનંદ જેવા આજ્ઞાંકિત શિષ્‍યો હતાં. જેઓએ ગુરૂની આજ્ઞાને માથે ચઢાવી તેમના આદેશને પૂર્ણ કરીને ગુરૂ-શિષ્‍ય પરંપરાને વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે.

માનવી ભલે 21મી સદીમાં પહોંચ્યો હોય, પરંતુ આજે આપણી વર્ષો જૂની ગુરૂ-શિષ્‍ય પરંપરા ક્યાંય જોવા મળતી નથી. એક વર્ષ અગાઉ ઉજ્જૈનમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ સમાન પ્રોફેસરની હત્યા અને દિલ્‍લીમાં પ્રકાશમાં આવેલી શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીઓનું કરવામાં આવતાં જાતીય શોષણની ઘટના આજનાં સમાજ માટે કલંક સમાન છે.

ND N.D  
એક ગુરૂ વશિષ્‍ઠ હતાં કે, જેઓ પોતાનાં શિષ્‍ય રામને કેવી રીતે ધર્મનું પાલન કરીને રાજ્યનો કાર્યભાર વહન કરવો તેની શિક્ષા આપતા જ્યારે આજનો શિક્ષક વિદ્યાર્થીનું આર્થિક અને જાતીય શોષણ કરે છે. એક એવા શિષ્‍ય કૃષ્‍ણ કે, જેઓ ગુરૂ સાંદિપની આજ્ઞા માનીને પાતાળમાં જઇને ગુરૂ પુત્રને લઈ આવ્યાં અને એક એવો શિષ્ય એકલવ્ય કે, જેણે માત્ર પોતાના મનથી માનેલા ગુરૂ દ્રોણને ગુરૂદક્ષિણાના ભાગરૂપે પોતાના હાથનો અંગુઠો કાપીને અપર્ણ કરી દીધો.

કહેવત છે ને કે, "એક હાથે કયારેય તાળી ન વાગે' આ કહેવતને અનુસરીને આજના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ પોતાના પરસ્પરના સંબંધો માટે સમાન રીતે જવાબદાર રહેવું જોઈએ. શિક્ષકોએ કોચિંગ ક્લાસના નામે વિદ્યાની વહેચણી બંધ કરીને પોતાના શિષ્યોને સત્ય અને પ્રમાણિકતાના પાઠ ભણાવવા જોઈએ જ્યારે વિદ્યાર્થીઓએ પણ ગુરૂને માતા-પિતાનો દરજ્જો આપીને તેમના દ્રારા આપવામાં આવેલા જ્ઞાનને ગ્રહણ કરીને જીવનમાં ઉતારવું જોઈએ.

જ્યારે આ સત્ય સિદ્ધ થશે ત્યારે સમાજમાં કોઈ પણ શિક્ષકના મુખ પર કાલીક લગાડવામાં નહી આવે અને વિદ્યાર્થીઓ પણ પોતાના જીવનમાં ગુરૂના મુલ્યને સમજશે. અને તેઓનાં મુખ પર આદિ કાળથી ચાલી આવતી આ પંક્તિ યથાવત રહેશે.

 

"ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ:'