Dashama Vrat - દશામા વ્રતની વિધિ,

બુધવાર, 16 જુલાઈ 2025 (22:08 IST)
Dashama Vrat Vidhi in Gujarati - દશામા વ્રત અપાર સુખ આપનાર છે. કોઈ ગ્રહો નડતા હોય, શનિ કે રાહુની પનોતી ચાલતી હોય ત્યારે આ વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી ખરાબ દશા દૂર થાય અને જીવનમાં સુખ-શાંતિ સ્થપાય.
 
વ્રતની પૂજનવિધિ
આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે. તે દિવસે સવારે વહેલા ઊઠી સ્નાનાદિથી પરવારી જઈને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં. ત્યાર બાદ એક બાજોઠ કે પાટલા પર લાલ રંગનું સ્વચ્છ કપડું પાથરી, તેના ઉપર ઘઉંની ઢગલી કરી દશામાની મૂર્તિ કે ફોટો મૂકો, અને તે ન હોય તો માટીની સાંઢણી બનાવી મૂકવી. કારણ સાંઢણી માતાજીનું વાહન ગણાય છે. બાજુમાં એક ત્રાંબાના કળશનું સ્થાપન કરવું. સૂતરના દશ તાર લઈ તેને કંકુમાં બોળી, દશ ગાંઠો વાળી, ત્રાંબાના કળશ પર વીંટાળવો તથા સૂતરના બીજા નવ તાર અને એક તાર પોતાના વસ્ત્રનો એમ દશ તારનો દોરો બનાવીને કંકુમાં બોળી પોતાના જમણા હાથે બાંધવો. માતાજીની નજીક ઘીનો દીવો તથા અગરબત્તી પ્રગટાવવી. જ્યાં સુધી વ્રતની વિધિ ચાલુ રહે ત્યાં સુધી દીવો ચાલુ રહે તેનું ધ્યાન રાખવું. પછી માની નજીક બેસી હૃદયથી માની સ્તુતિ કરવી. બાદ ઘરના કોઈ સભ્ય પાસે દશામાની કથા-વાર્તા વંચાવવી, તે સમય દરમિયાન વ્રત કરનારે મનમાં ‘જય દશામા, જય દશામા' એક બોલવું.
 
પ્રસાદ : દશામાની વ્રતની વિધિ પૂરી થયા પછી માતાજીને પ્રસાદ ચડાવવો, પ્રસાદમાં સવાસો ગ્રામ ઘઉંનો લોટ, ગોળ અને ચોખ્ખું ઘી નાખી ચૂરમું બનાવી ધરાવવું. જો આ પ્રસાદ ન કરી શકાય તો ફક્ત ગોળ, ખાંડ કે સાકારેયાનો પ્રસાદ ધરાવી શકાય. આરતી કરીને તથા થાળ ગાઈને માતાજીને ધરાવી પ્રસાદ વહેંચી દેવો.
 
ઉપવાસ-જપ : વ્રત કરનારે તન-મન પવિત્ર રાખી દશામાનું પૂજન કરવું, દશ દિવસ નકોરડા ઉપવાસ કરવા અને જો નકોરડા ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું. ફરાળ પણ લઈ શકાય છે. રાત્રે થોડો ઘણો સમય જાગીને દશામાની સ્તુતિ, ભજન તથા માના જપનું રટણ કરવું.
વ્રતની ઉજવણી : દશ દિવસ આ પ્રમાણે વ્રત કરી અગિયારમા દિવસે પાટલા ઉપર જે માટીની સાંઢણીની સ્થાપના કરી હોય, તેનું પૂજન કરીને સાંઢણીને નદી કે તળાવમાં પધરાવી દેવી. બાદ શક્તિ પ્રમાણે દાન કરવું. બાજોઠ કે પાટલા ઉપર પાથરેલા ઘઉં, ચોખા બ્રાહ્મણને આપવા. વસ્ત્રદાન કે સૌભાગ્ય શણગાર બ્રાહ્મણીને આપવું. શુદ્ધ મનથી વ્રતની ઉજવણી કરવી, આ ઉજવણી ખૂબ શ્રદ્ધાપૂર્વક કરવી તથા તન-મન બંને ખૂબ જ પવિત્ર રાખવા.

 
દશામાનું વિસર્જન સંપૂર્ણ વ્રતની ઉજવણી : મા દશામાનું વ્રત ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ વર્ષ સુધી કરે, તેનું વ્રત પૂર્ણ થયું ગણાય. વ્રત શરૂ કર્યા પછી અધૂરું ન રાખવું. ગમે તે પરિસ્થિતિ આવે તો પણ વ્રત પૂરું કરવું.
પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવી નાખવું. વ્રત ઉજવતી વખતે યથાશક્તિ બ્રાહ્મણોને જમાડી, તેને અન્નદાન, વસ્ત્રદાન આપવાં. દાનમાં સૌભાગ્ય શણગાર અપાય તો તેનું સહસ્રગણું ફળ મળે છે. દશામાની પુસ્તિકા વ્રત કરનાર બહેનોને આપી શકાય. આર્થિક રીતે જો સધ્ધર હોય તો તેમણે ચાંદીની કે રૂપાની સાંઢણી બનાવી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી.
 
આ વ્રત કરવાથી દશામાની કૃપા મળે છે, દશા સુધરે છે, ખરાબ દશા પલટાઈ જાય છે; તથા દશામાની કૃપાથી ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. મા દશામા પર જેવી જેની શ્રદ્ધા એવું એને અચૂક ફળ મળે છે.

Edited By- Monica Sahu

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર