વિદ્યાર્થીઓએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા તે સ્થિતિની આંસુભર્યા ચહેરે આપવિતી વર્ણવી
સુરતના છ વિદ્યાર્થીઓનું યુક્રેનથી સુખદ પુનરાગમન
વિદ્યાર્થીઓએ વર્ણવી આપવિતી: રાજ્ય અને કેન્દ્ર સરકારનો હ્રદયપૂર્વક આભાર માન્યો
સંતાનો વતન પરત ફરતા પરિવારજનોને મોટી રાહત
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી સહિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
પાંચ દીકરીઓ અને એક દીકરા સહિત છ વિદ્યાર્થીઓને આવકારવા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘવાલા, ધારાસભ્ય સર્વશ્રી વી.ડી. ઝાલાવાડિયા, વિવેક પટેલ, પ્રાંત અધિકારીશ્રી જી.વી.મિયાણી, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, કિશોર બિંદલ સહિતના મહાનુભાવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સૌએ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આરશ્વીએ ગળગળા અવાજે આપવિતી વર્ણવતાં કહ્યું કે, ભારતીય એમ્બેસી દ્વારા ગત તા.૧૫મી ફેબ્રુઆરીથી જ સમય ગુમાવ્યા વિના યુક્રેન છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ અન્ય દેશોની દરમિયાનગીરીથી યુદ્ધ નહીં થાય અને ભારતમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો બિનજરૂરી અને નેગેટિવ પ્રચાર થાય છે તેવું ઘણાં વિદ્યાર્થીઓ માનતા હતા, પણ યુદ્ધની ભીતિ સાચી પડી, ઉપરાંત વિમાનની ટિકિટના ભાવ પણ વધતાં જતા હતા અને ટિકિટ મળતી નહોતી. આ સ્થિતિમાં અમુક વિદ્યાર્થીઓ સમયસૂચકતા વાપરીને ભારત પરત આવી ગયાં, ત્યારબાદ રશિયાના યુક્રેન પર હુમલાઓ વધતા ઘણાં સ્થળોએ રોડ- રેલવે માર્ગ બંધ થવાથી ભારત આવવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યુક્રેનની ભારતીય એમ્બેસી અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે ભારત પરત આવી શક્યા છીએ. તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.