સુરક્ષામાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી

શનિવાર, 26 જાન્યુઆરી 2008 (11:18 IST)
PIBPIB

નવી દિલ્હી (ભાષા) આજે શનિવારે સવારે 9:59 મિનિટે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તે સાથે જ દેશના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું હતું. તે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં રાષ્ટ્રધ્વજને સલામી આપનાર પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની ગયા છે. સઘન સુરક્ષા અને આતંકવાદી હુમલાઓની દહેશત વચ્ચે આજે દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગયું છે. આતંકવાદી હુમલાને નિષ્ફળ કરવા સાવચેતીનાં તમામ પગલાંઓ લેવામાં આવ્યાં છે.

આ પહેલા શહિદ સ્મારક ખાતે વડાપ્રધાન મનમોહન સિંહ સહિત અન્ય મહાનુભાવો અને લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ અમર શહીદ જવાનોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ આતંકવાદીઓ સાથે લડતા લડતા શહીદી વહોરનાર લશ્કરના જવાનોને મરણોપરાંત અશોક ચક્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દેશને 59માં પ્રજાસત્તાક દિનની પુર્વ સંધ્‍યાએ સંબોધન કરતા રાષ્ટ્રપતિ પ્રમુખ પ્રતિભા પાટીલે અત્‍યંત ભાવુક રીતે જણાવ્‍યું હતું કે આપણે રાષ્રટ્રપિતા ગાંઘીજીના વિચારોને મુર્તિમંત કરવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે ઉમેર્યુ હતુંકે આપણે દરેક આંખના આસુને લુછવાનો પ્રયાસ કરીએ અને દેશના દરેક જરૂરતમંદ વ્‍યકિતને દેશના વિકાસના ફળ ચાખવા માળે તે જોવાનું આપણું કર્તવ્‍ય છે.

દિલ્હીમાં વિવિધ જગ્યાઓ પર નેશનલ સિક્યુરિટી ગાર્ડના શાર્પશૂટરો ગોઠવાઇ ગયા છે. આ ઉપરાંત એન્ટી-એરક્રાફ્ટ ગન અને મોબાઇલ હીટ ટીમો પણ ગોઠવવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસના પરેડ માર્ગ પર દિલ્હી પોલીસના કમાન્ડો અને અર્ધ લશ્કરી દળના જવાનો મોરચા સંભાળશે. પરેડના રૂટ સહિત હાઇ રાઇઝ ઇમારતો પર સ્નીપર્સ ગોઠવવામાં આવશે. રાજપથ ખાતે બહુસ્તરીય સુરક્ષા રહેશે. અહીં દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ આજે તિરંગો ધ્વજ લહેરાવશે .

ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોજી પરેડમાં મુખ્ય મહેમાન બન્યા છે. વડા પ્રધાન મનમોહનસિંહ અને દેશના અન્ય રાજકીય અને લશ્કરી વડાઓ પણ હાજર રહેશે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલાં પોલીસે ચકાસણીની પ્રક્રિયા તીવ્ર બનાવી હતી. દેશનાં વિવિધ રાજ્યોમાં પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો