કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ઝાડ અને વીજળી પડવાથી 6ના મોત

સોમવાર, 29 મે 2023 (18:23 IST)
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો
આજથી 2 દિવસમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
 
અમદાવાદઃ ગઈ કાલે અમદાવાદમાં વરસાદે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી ફાઈનલની મેચ ધોઈ નાંખી હતી. ભારે વરસાદને કારણે મેચ રિઝર્વ ડે પર આજે રમાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે રમાનારી ફાઈનલ મેચમાં વરસાદ વિઘ્ન બનશે કે નહીં તે અંગે ક્રિકેટ રસિકોમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે આજે પણ આઈપીએલની મેચમાં વરસાદ વિધ્ન બનશે. અમદાવાદમાં આજે પણ વધુ વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. ભારે પવનને કારણે છત ઉડવાની અને ગાંધીધામમાં મોબાઈલ ટાવર ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. ગુજરાતમાં વરસાદને કારણે 6 લોકોના મોત નિપજ્યાં છે. 
 
આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી
ગાંધીધામમાં પવન અને ગાજવીજ સાથે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. સૌરાષ્ટ્રના પણ કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં બોટાદ, ભાવનગર, ગોંડલમાં ભારે પવન સાથે ધૂળની ડમરી સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેમજ રાજ્યમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યુ છે. જેમાં ઘણાં વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ ,મહેસાણા ,પાટણ સાબરકાંઠા ,બનાસકાંઠા વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્રના જામનગર,મોરબી,ભાવનગર, કચ્છ, બોટાદ સહિત ભારે વરસાદની આગાહી કરી છે. 
 
રાજ્યમાં વરસાદને કારણે 6 લોકોના મોત
રાજ્યમાં રવિવારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે. પાટણમાં પવન સાથે વરસાદથી બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે છોટાઉદેપુરના સંખેડામાં વીજળી પડતા બે યુવકોના મોત થયા છે. દાહોદના સુડીયા ગામે કરંટ લાગતા એક બાળકનું મોત થયું છે. આ વચ્ચે અમદાવાદમાં વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં દિવાલ ધરાશાયી યુવકનું મોત થયું છે. પાટણમાં ચાણસ્મા અને સિદ્ધપુરમાં 1-1 વ્યકિતનું મોત થયું છે. આ ઉપરાંત ભારે વરસાદ અને ભારે પવનથી સરસ્વતીમાં માર્ગો પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. 
 
24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે મહેસાણાના બહુચરાજીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠાના દાંતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો સાથે  અમદાવાદ શહેરમાં પણ 2.1 ઈંચ વરસાદ વરસ્યો છે.અમદાવાદમાં ગઈકાલે સરેરાશ 2 ઈંચ વરસાદ, બનાસકાંઠાના વડગામ અને પાટણના ચાણસ્મામાં પણ 2 ઈંચ આવ્યો છે. તેમજ મહેસાણાના જોટાણા અને બાવળામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તથા કલોલ, સાબરકાંઠાના શિહોર અને વડાલીમાં 1.4 ઈંચ વરસાદ આવ્યો છે. નડિયાદ, પેટલાદ, કડીમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં જોધપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
 
ભારે પવન સાથે વરસાદ આગાહી
અમદાવાદના ચાંદખેડામાં 3 ઈંચ વરસાદ સાથે ગોતા અને સરખેજમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. તથા મણિનગર, ચાંદલોડિયા અને વટવામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યું હતું. રાજ્યમાં ચોમાસાની જાણે શરૂઆત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. એવું અનુમાન લાગવામાં આવી રહ્યું છે કે, હવે આ ઉનાળાનો છેલ્લો તબક્કો છે અને ત્યારબાદ વરસાદના પગલે કાળઝાર ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે. જોકે હવામાન વિભાગની આગાહી છે કે આજથી આગામી 2 દિવસમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર