અમદાવાદમાં શંકાસ્પદ ઝીકા વાયરસના ત્રણ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (11:59 IST)
શહેરમાં છેલ્લાં ચાર વર્ષથી લાખો-કરોડો રૂપિયાનું આંધણ સ્વચ્છતા અભિયાન પાછળ કરાઇ રહ્યું છે. તેમ છતાં મચ્છરજન્ય રોગચાળાએ ઠેર ઠેર ગંદકીના કારણે માથું ઊંચક્યું છે. ડેન્ગ્યુ અને ઝેરી મેલેરિયાથી લોકો ત્રસ્ત છે. આવા સંજોગોમાં શહેરમાં વધુ એક મચ્છરજન્ય રોગચાળો ઝીકા વાઇરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. ગત વર્ષે શહેરમાં ત્રણ ઝીકા વાઇરસના કેસ નોંધાતાં ખળભળાટ મચ્યો હતો. દેશમાં ઝીકા વાઇરસના કેસના મામલે અમદાવાદ દેશનું સર્વપ્રથમ શહેર બન્યું હતું. અમદાવાદમાં ઝીકા વાઇરસના કેસ ગત નવેમ્બર-ર૦૧૬થી ફેબ્રુઆરી-ર૦૧૭ દરમ્યાન નોંધાયા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત ગત તા.ર૮ મે, ર૦૧૭એ કરતાં આ બાબત ભારે વિવાદાસ્પદ બની હતી. રાજ્ય સરકાર દ્વારા ઝીકા વાઇરસના સત્તાવાર કેસની જાહેરાતમાં લગભગ પાંચ મહિનાનો વિલંબ કરાતાં તેની તબીબી આલમમાં પણ ચર્ચા ઊઠી હતી, જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ) દ્વારા અમદાવાદમાં ઝીકા વાઇરસને લગતી ચેતવણી જાહેર કરાઇ હતી. અમદાવાદ બાદ રાજસ્થાનમાં ઝીકા વાઇરસના કેસ નોંધાયા હતા. પરંતુ હવે શહેરના અમરાઇવાડી, બાપુનગર અને ઇસનપુરમાં ઝીકા વાઇરસના ત્રણ નવા શંકાસ્પદ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી છે. એડિસ ઇિજપ્તી મચ્છરથી ફેલાતા ઝીકા વાઇરસના દર્દીમાં ડેન્ગ્યુ તાવ જેવા લક્ષણ જોવા મળે છે. જાણકાર સૂત્રો કહે છે, રાજ્ય સરકારના હેલ્થ વિભાગ દ્વારા અમરાઇવાડી વિસ્તારમાં ઝીકા વાઇરસના ત્રણ કેસ સત્તાવાર કેસ નોંધાયા હોવાનું સ્વીકારાયું છે, જેના કારણે સમગ્ર અમરાઇવાડી સહિત બાપુનગર, ઇસનપુર વિસ્તારમાં ઘનિષ્ઠ સર્વે હાથ ધરાયો છે. બીજી તરફ મ્યુનિસિપલ હેલ્થ વિભાગને ઝીકા વાઇરસના શંકાસ્પદ કે સત્તાવાર કેસની હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા જાણ કરાઇ નથી. ગત વર્ષે પણ મ્યુનિસિપલ તંત્રને ઝીકા વાઇરસના મામલે અંધારામાં રખાયું હતું. આ અંગે હેલ્થનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. કુલદીપ આર્યાને પૂછતાં તેઓ કહે છે, “તંત્ર પાસે ઝીકા વાઇરસના સંદર્ભે હજુ સુધી કોઇ જાણકારી નથીપ જોકે આ બાબતે ચોક્કસ તપાસ કરાશે.”