આપકા અશ્લીલ વીડિયો યુટ્યુબ પર વાયરલ હોને વાલા હૈ, જલ્દી રૂપિયા ટ્રાન્સફર કરો' કહી વાપીના બે યુવકોને ધમકી આપી

શુક્રવાર, 11 માર્ચ 2022 (08:50 IST)
વાપીના બે યુવકને સોશ્યિલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાની ભારે પડી હતી. સુંદર યુવતીઓ મિત્રતા કર્યા બાદ રાત્રે વીડિયો કોલ કરી પોતે અર્ધનગ્ન થઇ યુવકોના પણ કપડા ઉતરાવી તે વીડિયો બીજા દિવસે સોશ્યિલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરતા તેઓ ઘભરાઇ ગયા હતા. પરંતુ સમાજમાં બદનામી થશે તેમ વિચારી પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.વાપી ટાઉન વિસ્તારમાં રહેતા 32 વર્ષીય જીજ્ઞેશભાઇ (નામ બદલ્યું છે) ની મિત્રતા એક માસ અગાઉ ફેસબુક થકી એક યુવતી સાથે થઇ હતી. જે બાદ બંને રાત્રિના સમયે વાતો કરતા હતા. થોડા દિવસ અગાઉ યુવતીએ જીજ્ઞેશભાઇને વીડિયો કોલ કરતા ફોન ઉપાડતા જ તે અર્ધનગ્ન હાલતમાં દેખાઇ આવી હતી. વાતોમાં ભેરવી તેણે યુવકના કપડા પણ કઢાવી દીધા હતા.બીજા દિવસે સવારે યુવતીએ વીડિયોમાંથી એક સ્ક્રીન શોટ મોકલાવી આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ જશે કહી રૂ.1 લાખની માંગણી કરી હતી. જે બાદ અવાર નવાર આ વીડિયો યુ-ટ્યુબ ઉપર 70 ટકા, 80 ટકા અને છેલ્લે 94 ટકા અપલોડ થઇ ગયા હોવાના મેસેજો આવતા તેમણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આખરે એક મિત્રના કહેવા બાદ સામાવાળી યુવતીને ગાળો આપતા ફોન કે મેસેજ આવવાનો બંધ થયો હતો. આ જ પ્રકારે વાપી ટાઉન વિસ્તારમાં આવેલ એક ફળિયાના 36 વર્ષીય યુવક સાથે પણ ઘટના બની હતી. ગમે ત્યારે વીડિયો વાયરલ કરવાનું કહી ફોન ઉપર ધમકી આપી યુવતી ગાળો બોલી પોલીસમાં ફરિયાદ કરી દેવાની ધમકી આપતા 10 દિવસ સુધી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. મિત્રોએ ફ્રોડ યુવતી હોવાનું તેને જણાવ્યું હતું. આ બંને કેસમાં યુવકોએ ભાસ્કર સાથે આ વાત શેર કરી સમાજમાં બદનામી ન થાય તે માટે પોલીસમાં ફરિયાદ ન કર્યા હોવાનું અને લોકો આવા ફ્રોડ કોલ અને છેતરતી યુવતીઓથી સાવચેત રહે તે માટે વાતો શેર કર્યા હોવાનું જણાવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર