ગુજરાતના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, માછીમારોને દરિયામાં ન જવા વોર્નિંગ અપાઈ

બુધવાર, 25 મે 2022 (13:15 IST)
રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. એવામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને 25થી 29 મે દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ, ગુજરાતના જખૌ, માંડવી, મુંદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા તથા પોરબંદરના દરિયાકાંઠે 27થી 29 મે 2022 દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે 60 કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. એવામાં માછીમારોને આ સમય દરમિયાન દરિયો ખેડવા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડમાં તેજ પવનો સાથે ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે ગરમીમાં રાહત મળી હતી. જ્યારે રાજકોટમાં પણ અડધાથી બે ઇંચ સુધી વરસાદ પડતા માત્ર એક કલાકમાં તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. વલસાડમાં મંગળવારે સવારે 8થી 8.30 વાગ્યાના સુમારે ઝાપટાં થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેજ પવનના કારણે તિથલ બીચ પર સ્ટોલ્સના મંડપો પણ તૂટી પડ્યા હતા.

હવામાન વિશેષજ્ઞના મત મુજબ આ ચોમાસાનો વરસાદ નથી પરંતુ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરથી વરસાદ થયો છે. બીલીમોરા શહેરમાં મંગળવાર સવારે 20 મિનિટ સુધી વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજકોટ સહિત કેટલાંક વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41.0 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, જયારે આ સિવાય અન્ય તમામ શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ડો. નીરજકુમાર, હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હાલ જે સ્થિતિનું નિમાર્ણ થયું છે ખાસ કરીને છેલ્લા એક સપ્તાહમાં વાતાવરણ બદલાયું છે તેનું મુખ્ય કારણ વેર્સ્ટન ડિસ્ટબન્સ છે. તાજેતરમાં જ ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું હતું અને તેના પરિણામ સ્વરૂપે લો પ્રેશરની સ્થિતિ સર્જાતા રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં હવાનું ચક્રવાત બન્યું. ચોમાસુ 15 જૂનની આસપાસથી શરૂઆત થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર