રખડતા પશુઓના ત્રાસથી વડોદરાવાસીઓને કોણ બચાવશે? રખડતા ઢોરની અડફેટે યુવાનનું મોત

શનિવાર, 20 ઑગસ્ટ 2022 (15:48 IST)
વડોદરા શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા વકરી રહી છે. વડોદરા શહેરમાં રખડતી ગાયે વધુ એક યુવાનને અડફેટે લીધાની ઘટના સામે આવી છે, જેમાં વડોદરાના સુભાનપુરાના યુવાનનું મોત થયું છે. છેલ્લા કેટલાકથી રાજ્યના વિવિધ શહેરોમાંથી ગાયના હુમલાની ઘટનાઓ સામે આવી છે. ઠેર-ઠેર રસ્તાઓ પર ગાયો બેસેલી અને ફરતી જોવા મળે છે. અકસ્માત સર્જાય ત્યારે તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. બાદમાં સ્થિતિ જૈસે થે વૈસે જેવી જોવા મળે છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સુભાનપુરાના નંદાલય હવેલી પાસે રખડતી ગાયના કારણે એક યુવકનું મોત થયું છે. મોડી રાત્રે રસ્તા રસ્તા પર બેઠેલી ગાય સાથે યુવક અથડાયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. યુવકનું નામ જીગ્નેશ મહિજીભાઇ રાજપૂત છે. યુવક બાઇક પર જઇ રહ્યો હતો તે દરમિયાન રસ્તા પર બેસી ગાય અંધારામાં ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. ગાય જ્યાં બેઠી હતી ત્યાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાનની ડેડીબોડી પીએમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. 
 
અત્રે નોંધનીય છે કે જ્યારે એક સામાન્ય નાગરિક રખડતા ઢોરના કારણે અકસ્માતનો ભોગ બને છે ત્યારે તંત્રનું પેટનુંય પાણી હલતું નથી પરંતુ જ્યારે કોઇ મોટા નેતા આ પ્રકારની ઘટનાનો ભોગ બને છે તો તંત્ર દોડતું થઇ જાય છે. તપાસ દૌર શરૂ થઇ જાય છે. તાજેતરમાં જ મહેસાણા ખાતે આઝાદી કા મહોત્સવ કાર્યક્રમ અંતગર્ત યોજાયેલી રેલીમાં ભાગ લેવા પહોંચેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની રેલીમાં ગાયે તેમને હડફેડે લેતાં તેમના પગે ઇજા પહોંચી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર