બિપરજોય વાવાઝોડું : ગુજરાત પાસેથી પસાર થઈને પાકિસ્તાન પર ત્રાટકશે?

શનિવાર, 10 જૂન 2023 (10:39 IST)
પાછલા અમુક દિવસોથી અરબ સાગરમાં ‘સાયક્લૉનિક ઍક્ટિવિટી’ જોવા મળી રહી છે. ધીમે ધીમે જોર પકડતું જઈ રહેલું વાવાઝોડું બિપરજોય આવનારા દિવસોમાં ગુજરાતના તટની ખૂબ નજીક આવશે. ભારતીય હવામાનવિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રે વાવાઝોડા અંગે લેટેસ્ટ માહિતી શૅર કરતાં કહ્યું હતું કે બિપરજોય ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.
 
વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિને જોતાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કાંઠા વિસ્તારોમાં માછીમારો માટે સલાહ જાહેર કરી છે. જે મુજબ માછીમારોને આગામી 13 તારીખ સુધી મધ્ય અરબ સાગર અને 15 તારીખ સુધી ઉત્તર અરબ સાગરનું ખેડાણ ન કરવાનું જણાવાયું છે.
 
બિપરજોય વાવાઝોડા અંગે મહાપાત્રે ગુજરાત પર તેની અસર અંગે વાત કરતાં કહ્યું હતું કે રાજ્યના કાંઠા વિસ્તારોમાં આગામી દિવસોમાં પવનની વધુ ગતિનો અનુભવ થશે. કાંઠા વિસ્તારોની આસપાસ પવનની ઝડપ 50-60 કિલોમિટર પ્રતિ કલાક સુધી નોંધાઈ શકે છે.
 
હવામાન વિભાગે જાહેર કરેલ માહિતી પ્રમાણે વિવિધ મૉડલો દ્વારા વાવાઝોડું લગભગ ઉત્તર દિશામાં પાકિસ્તાન-ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મોટા ભાગનાં મૉડલો દ્વારા વાવાઝોડું પાકિસ્તાનના કાંઠા વિસ્તાર તરફ ફંટાશે તેવી આગાહી કરી છે. જોકે, વૈશ્વિક મૉડલ NCUM અનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
 
હાલ વાવાઝોડું ક્યાં છે?
ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ અનુસાર ગુજરાતનાં તમામ બંદરો માટે ‘વૉર્નિંગ’ અપાઈ છે. હાલ વાવાઝોડું આઠ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને અંતિમ અપડેટ અનુસાર તે ગુજરાતના પોરબંદરથી દક્ષિણ-પૂર્વ દિશામાં 830 કિલોમિટરના અંતરે છે. ઉપરાંત વાવાઝોડાની ગતિની દિશાને જોતાં પાકિસ્તાનમાં પણ સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે.
 
ડૉન ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ત્યાંની સરકારે શુક્રવારે સિંધ અને બલૂચિસ્તાનનાં તંત્રને ‘વેરી સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મ’ બિપરજોયની દિશાને જોતાં ઍલર્ટ રહેવા જણાવ્યું છે. આગળ નોંધ્યું એમ વાવાઝોડું પાકિસ્તાનના કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
પાકિસ્તાનના હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ માર્ગદર્શિકા પ્રમાણે પાછલા 12 કલાકમાં બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી છે અને તે દીમી ગતિએ ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનની દૃષ્ટિએ વાવાઝોડું કરાચી બંદરથી 1,120 કિલોમીટરના અંતરે છે.
 
‘કોઈ ડાઇરેક્ટ ઇમ્પેક્ટ નહીં’
 
ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રે વાવાઝોડાને લઈને વધુ જાણકારી આપતાં કહ્યું હતું કે, “વાવાઝોડાના કારણે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે ગતિથી પવન ફૂંકાઈ શકે છે. હાલ વાવાઝોડાને કારણે પવનની ગતિ સૌથી વધુ તેના કેન્દ્રની આસપાસ છે. જે અંદાજે 125થી 150 કિમી પ્રતિ કલાકની છે. જે આવતી કાલ સુધી 150 કિલોમિટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.”
 
હવામાનવિભાગ અનુસાર બિપરજોયની સાયક્લૉનિક ઍક્ટિવિટીને કારણે દરિયો તોફાની બનશે. કાંઠા વિસ્તરની આસપાસ દસથી 14 મિટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. જોકે, મહાપાત્રે પોતાની વાતનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું કે, “બિપરજોયની ભારતીય તટ વિસ્તાર પર કોઈ સીધી અસર નહીં થાય. કોઈ ડાઇરેક્ટ ઇમ્પેક્ટ નહીં થાય.” 
 
વાવાઝોડાની આગાહીને પગલે તંત્રનાં સાવચેતીનાં પગલાં
મીડિયા અહેવાલો મુજબ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરના દરિયાકિનારાના જિલ્લાના કલેક્ટરોએ પરિસ્થિતિને જોતાં યોગ્ય પગલાં લઈ તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે. ગંભીર પરિસ્થિતિમાં લોકોના બચાવકાર્યને લઈને યોજના અને પ્રભાવિત વિસ્તારોમાં બ્લૉક સ્તરે છાવણીની તૈયારીઓને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી. નોંધનીય છે કે હાલ ગુજરાતના દરિયાકિનારે બધે બે નંબરનું સિગ્નલ અપાયું છે. પોરબંદરમાં 295 શાળાને વાવાઝોડા સમયે છાવણીમાં ફેરવી દેવાની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના અપાઈ છે.
 
કચ્છમાં વાવાઝોડાની સ્થિતિમાં ખાવાપીવાની ચીજવસ્તુઓ, દવાઓ છાવણીમાં મળી રહે તે અંગે વ્યવસ્થા ગોઠવવા પગલાં લેવાનું પણ સૂચવાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર