ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ભારે વરસાદ? જાણો શુ કહે છે હવામાન વિભાગ

હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ચોમાસામાં પડવો જોઈએ એવો ધોધમાર વરસાદ હાલ પડી રહ્યો નથી. હાલ મૉન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે અને તેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. અહીં ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે.
 
ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે, પરંતુ આ વર્ષે જુલાઈ મહિનાના અંત અને ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી.
 
સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં 70 ટકા કરતાં વધારે વરસાદની ઘટ જોવા મળી હતી. જ્યારે કચ્છમાં 94 ટકા ઘટ જોવા મળી હતી.
 
જોકે, હવે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર રાજ્યમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ રાઉન્ડ પહેલાં બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બને તેવી શક્યતા છે.
 
બંગાળની ખાડીમાં ક્યારે સિસ્ટમ બનશે અને તે ગુજરાત તરફ આવશે?
 
ગુજરાતમાં ચોમાસામાં થનારો વરસાદ સામાન્ય રીતે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો પર આધાર રાખે છે. એટલે કે એ દરિયામાં બનેલા લૉ-પ્રેશર એરિયા મધ્ય ભારત કે ગુજરાત તરફ આવે છે અને તેના કારણે રાજ્યમાં વરસાદના રાઉન્ડ આવે છે.
 
આ સિસ્ટમ જ્યારે મધ્ય ભારત પર આવે ત્યારે અરબી સમુદ્રમાંથી આવતા પવનો પણ તેને મદદ કરે છે અને તેના કારણે ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલે દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે બંગાળની ખાડીમાં 12 કે 13 ઑગસ્ટની આસપાસ એક સિસ્ટમ બનવાની શક્યતા દેખાઈ રહી છે.
 
એક્યુવેધરના હવામાનશાસ્ત્રી જેસન નિકોલસના જણાવ્યા પ્રમાણે આવતા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાશે અને તેના કારણે રાજસ્થાન, ગુજરાત અને પાકિસ્તાનમાં ફરીથી ચોમાસાના વરસાદમાં વધારો થવાની શક્યતા છે.
 
બંગાળની ખાડીમાં આ સિસ્ટમ બન્યા બાદ તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાય તેવી શક્યતા છે અને કદાચ તેના કરતાં પણ વધારે મજબૂત બને તેવી સંભાવના દેખાઈ રહી છે.
 
GFS અને બીજાં હવામાનનાં મૉડલો જે પ્રમાણે દર્શાવી રહ્યાં છે તે મુજબ આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવશે અને ત્યાંથી પાકિસ્તાન પર જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
 
જો આ સિસ્ટમ રાજ્ય પર આવશે તો ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ભારે વરસાદ?
 
હવામાન વિભાગે કરેલી લાંબા ગાળાની આગાહી પ્રમાણે ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના પ્રથમ ભાગમાં વરસાદ વધવાની શક્યતા ઓછી છે. અડધો મહિનો પૂરો થયા બાદ રાજ્યમાં ફરીથી વરસાદ વધવાની શક્યતા છે.
 
રાજ્યના કેટલાક વિસ્તારોમાં 11-12 ઑગસ્ટની આસપાસ વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થશે, પરંતુ ભારે વરસાદની શરૂઆત 16 ઑગસ્ટની આસપાસ થવાની શરૂઆત થશે.
 
હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધવાની શરૂઆત કરશે ત્યારે એની અસર રાજ્ય પર વર્તાવાની શરૂ થશે.
 
હાલની સ્થિતિમાં જો કોઈ ફેરફાર ના થાય તો આગામી દિવસો એટલે કે 16 ઑગસ્ટથી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે.
 
જો સિસ્ટમ ગુજરાત પર આવશે તો સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના બીજા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતની સાથે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના વિસ્તારોમાં પણ વરસાદ વધશે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે.
 
11થી 12 ઑગસ્ટની વચ્ચે જે વરસાદનું પ્રમાણ વધશે તેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે પરંતુ ખૂબ વધારે વરસાદ થાય એવી સંભાવના દેખાતી નથી.
 
રાજ્યમાં ઑગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદ પડી રહ્યો નથી અને ઘણા વિસ્તારોમાં ખેડૂતો ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવે તેની રાહ જોઈ રહ્યા છે.
 
1 ઑગસ્ટથી 6 ઑગસ્ટ સુધીના હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે.
 
વરસાદની ઘટનો સાદો અર્થ એ થાય કે આ દિવસોમાં રાજ્યમાં જે વરસાદ થવો જોઈતો હતો એટલો વરસાદ થયો નથી એટલે કે ઓછો વરસાદ પડ્યો છે.
 
હાલ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઑગસ્ટના શરૂઆતના દિવસોમાં 90 ટકા કરતાં વધારે વરસાદની ઘટ છે, કચ્છ, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 80 ટકા કરતાં વધારે ઘટ જોવા મળી છે.
 
બંગાળની ખાડીમાં કે ગુજરાતની આસપાસ કોઈ મોટી સિસ્ટમ હાલ ન હોવાથી મૉન્સૂન ટ્રફ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં જતી રહી છે અને તેના કારણે રાજ્યમાં હાલ વરસાદ પડી રહ્યો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર