જળસંકટ ગંભીર: સિંચાઈ માટે નર્મદા નિગમે 15 માર્ચને બદલે એક મહિનો વ્હેલો કાપ લાગુ પાડી દીધો
ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (17:42 IST)
ઉનાળામાં જળસંકટ નહીં સર્જવા દેવાની રાજય સરકારની બાહેધરી વચ્ચે સિંચાઈ માટેના પાણીની મુદત એક મહિનો ઘટાડી નાખવામાં આવી છે. હવે 15 માર્ચને બદલે 15 ફેબ્રુઆરી સુધી જ સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાનું જાહેર કરાતા ખેડુત સંગઠનો આકરા પાણીએ થયા છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિત ચાર જીલ્લામાં નર્મદાના પાણી આજથી જ બંધ થશે.ખેડુતો સમાજ ગુજરાત દ્વારા રાજય સરકારને એવુ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે 15 માર્ચ સુધી સિંચાઈનું પાણી આપવાના વચનમાંથી પીછેહઠ કરવી હોય તો ખેડુતોને થનારી નુકશાનીનું વળતર આપવામાં આવે છે. 15 ફેબ્રુઆરીથી જ પાણી અટકાવવામાં આવે તો ઘઉં, જુવાર તથા જીરુના પાકને મોટુ નુકશાન થાય તેમ છે. ખેડુત સમાજનાસાગર રબારીએ એવો આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી વખતે નર્મદાના પાણી વેડફવામાં આવતા આ હાલત સર્જાઈ છે અને ખેડુતોની હાલત ડામાડોળ થઈ છે. રાજય સરકારે અગાઉ ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી નહીં આપવાનું જાહેર કર્યુ હતું છતાં શિયાળુ પાક માટે 15 માર્ચ સુધી પાણી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. હવે સરકારે 15 ફેબ્રુઆરીથી જ સિંચાઈ માટે પાણી બંધ કરવાનું જાહેર કર્યુ છે એટલે શિયાળુ પાક માટે પણ જોખમ સર્જાયુ છે. તેઓના કહેવા મુજબ ચોમાસા પછી જામીનના ભેજ તથા સિંચાઈ સુવિધાના આધારે શિયાળુ પાકનુ વાવેતર કરવામાં આવતું હોય છે. 15 ફેબ્રુઆરીથી પાણી બંધ થવાના સંજોગોમાં ઘઉં, જીરુ તથા જુવારને મોટુ નુકશાન થશે. જુવાર પશુઆહારનો મોટોસ્ત્રોત છે એટલે પશુપાલકોની હાલત પણ ખરાબ થશે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યું છે કે નર્મદા કેનાલમાં પાણીના અભાવે ખેડુતોને નુકશાન માટે નિગમ જવાબદાર નથી. લીંબડી બ્રાંચ કેનાલ હેઠળ સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગર જીલ્લાને 15 ફેબ્રુઆરીથી ઉનાળાના અંત સુધી સિંચાઈ માટે પાણી નહીં મળે. નર્મદાના પાણી મળવાની આશા રાખીને પણ ઉનાળુ પાકનુ વાવેતર નહીં કરવાનું સૂચવવામાં આવ્યું છે. સિંચાઈ માટે નર્મદાના પાણી 15 માર્ચ સુધી આપવાના નિયત કાર્યક્રમને બદલે એક મહિનો વ્હેલુ બંધ કરવાના નિર્ણયથી ખેડુતોમાં જબરો ઉહાપોહ સર્જાવાના ભણકારા છે. સિંચાઈનું પાણી એક મહિનો વ્હેલુ બંધ કરવાનો રાતોરાત નિર્ણય લેવામાં આવ્યાનું કહેવાય છે. નર્મદાના પાણી બંધ થવા વિશે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે અજ્ઞાનતા દર્શાવી હતી. નર્મદાના પાણી 15 માર્ચ સુધી મળવાના જ છે છતાં આ મામલે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કદાચ કેનાલના રીપેરીંગ કામ માટે પાણી અટકાવાયુ હોઈ શકે છે. રાજયમાં ચાલુ વર્ષ નર્મદાના પાણીમાં કાપને કારણે જળસંકટ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી જ રહી છે. દર વર્ષે 90 લાખ એકર ફુટને બદલે આ વર્ષે ગુજરાતને 47.1 લાખ એકર ફુટ જ પાણી મળવાનું છે. નર્મદા ડેમનું જળસ્તર 111 મીટર સુધી નીચે ઉતરી ગયું છે. ડેમની મુલાકાત લીધા બાદ મુખ્યસચિવ જે.એન.સિંઘે કહ્યું કે જીવંત જથ્થો ફેબ્રુઆરી અંત સુધીચાલે તેમ છે ત્યારબાદ ડેડવોટરનો ઉપયોગ કરવામાં આવશે. જળસ્તર 110 મીટરથી નીચે જાય તો કેનાલમાં પાણી નાખી શકાય તેમ નથી.