અમદાવાદ શહેરના 200થી વધુ વિસ્તારો દૂષિત પાણી પીવા મજબૂર - રીપોર્ટ
શનિવાર, 12 મે 2018 (10:48 IST)
ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી વચ્ચે 'સ્માર્ટ સિટી' બનવા જઈ રહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ લોકો દૂષિત પાણી પીવા મજબૂર બની રહ્યા છે. જેને કારણે હજારો લોકો બીમારીને આમંત્રણ આપી રહ્યા છે. તાજેતરમાં એએમસી દ્વારા ગત તા.3 એપ્રિલ, 2018થી તા. 2 મે, 2018 સુધીના પાણીના ‘અનિફટ’નમૂનાનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શહેરના 214 સ્થળે પીવા માટે દૂષિત પાણી મળી રહ્યું હોવાની વાત સામે આવી છે.ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આ સમસ્યા ભારે વિકટ બની છે. માત્ર એટલું જ નહિં ચાલુ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં પાણીજન્ય રોગોના 223 કેસિસ નોંધાયા છે. શહેરમાં આડેધડ રીતે ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે,
જેને કારણે નળ (પાણી)અને ગટરનાં જોડાણની સંખ્યામાં બેહદ વધારો થયો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની વહીવટી અણઆવડત કે ભયના અભાવે કેટલાક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર નળ અને ગટરનાં જોડાણ આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ગેરકાયદેસર નળ-ગટરના જોડાણોના લીધે પ્રદૂષિત પાણીની સમસ્યા વકરી છે. એઅમસીના વહીવટી તંત્રના સત્તાવાર અહેવાલમાં જણાવ્યા મુજબ ગત એક મહિનામાં 214 સ્થળે પ્રદૂષિત પાણી મળતું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં એએમસી દ્વારા આપવામાં આવતા પ્રદૂષિત પાણી મામલે મ્યુનિસિપલ બોર્ડની છેલ્લી બેઠકમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ભારે ચર્ચાઓ થઇ હતી.આ બોર્ડ બેઠક દરમિયાન કેટલાક કોર્પોરેટર્સ પોતાના વિસ્તારમાં આવતા પ્રદૂષિત પાણીની બોટલ ભરીને લાવ્યા હતા. જે તેમણે મ્યુનિસિપલ કમિશનરને આપી હતી. જોકે શહેરભરમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વકરી રહી છે, ત્યારે વહીવટી તંત્ર આ મામલાનો ઉકેલ લાવવાને બદલે સંબંધિત વિભાગો દ્વારા એકબીજાની ઉપર દોષારોપણ કરી રહ્યું છે. એએમસી દ્વારા ગત તા.3 એપ્રિલ, 2018થી તા. 2 મે, 2018 સુધીના પાણીના ‘અનિફટ’નમૂનાનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. આ અહેવાલ મુજબ શહેરના વિવિધ વિસ્તારોના 214 સ્થળેથી તંત્રને પ્રદૂષિત પાણી મળી આવ્યું હતું.