વિસ્મય પાસે દારુ કેવી રીતે અને કોણે પહોંચાડ્યો? પોલીસના નિવેદનોથી સવાલ ખડો થયો
શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (13:07 IST)
અડાલજમાં બાલાજી કુટીરના બંગલોમાં દારૃ હુક્કાની મહેફીલના કેસમાં હીટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ સહિતના માલેતુજારોની ધરપકડ બાદ ભીનુ સંકેલવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. મહેફીલમાં દારૃ ક્યાંથી આવ્યો તે અંગે એલસીબી પોલીસ આરોપી ચિન્મય પટેલની રશિયન પત્ની લાવી હોવાનું જણાવે છે. બીજીતરફ અડાલજ પોલીસ ઝડપાયેલા આરોપીઓ દારૃ લાવ્યા હોવાનું કહે છે. આમ પોલીસના વિરોધાભાસી નિવેદનો શંકા ઉપજાવી રહ્યા છે અડાલજમાં વિસ્મયના સાળા ચિન્મય પટેલના બાલાજી કુટીરના બંગલોમાં દારૃ હુક્કાની પાર્ટી પર ગાંધીનગર એલસીબી અને અડાલજ પોલીસે દરોડો પાડયો હતો. જેમાં વિસ્મય તેની પત્ની પુજા સહિત છ જણાની ધરપકડ થઈ હતી. અહીંથી પોલીસે દારૃની બોટલો અને હુક્કા કબજે કર્યા હતા. આ અંગે એલસીબી પોલીસનું કહેવું છે કે વિસ્મયના સાળા ચિન્મય પટેલની રશિયન પત્ની વિક્ટોરીયા લાયસેના વાજીમોના (૨૪) પાસે દારૃની પરમીટ હતી. આથી તેણે ડયુટી ફ્રી શોપમાંથી દારૃ ખરીદ્યો હતો. જે મહેફીલમાં ઉપયોગમાં લેવાયો હતો. જ્યારે અડાલજ પોલીસ આ દારૃ આરોપીઓ લાવ્યા હોવાનું જણાવે છે. જોકે દારૃ છ આરોપીમાંથી કોણ અને ક્યાંથી લાવ્યા તે અંગે મૌન સેવી રહી છે. તે સિવાય રશિયન યુવતીએ દારૃનું સેવન મહેફીલમાં નહી પણ બંગલામાં ઉપરના માળે કર્યું હોવાથી તેની વિરૃધ્ધ મહેફીલનો ગુનો નોંધવામાં આવ્યો ન હોવાનું અડાલજ પોલીસનું કહેવું છે.મહેફીલમાં વિસ્મયની પત્ની અને ડોક્ટર મીમાંશા બુચ નામની મહિલાઓ હાજર હતી તો પછી રશિયન યુવતી કેમ અળગી રહી તે વાત ગળે ઉતરે તેમ નથી. મહેફિલમાં અન્ય બેથી ત્રણ જણા પણ હાજર હતા પરંતુ પોલીસના દરોડા પહેલા તેઓ ચાલ્યા ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પુછપરછમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પણ આ શખ્સો કોણ હતા એ જણાવતા નથી, એમ અડાલજ પોલીસનું કહેવું છે. આ દરોડામાં પોલીસે વિસ્મય શાહ તેની પત્ની પુજા શાહ, ચિન્મય પટેલ, હર્ષિત મજુમદાર, મંથન ગણાત્રા અને મિમાંશા બુચની ધરપકડ કરી હતી.