વલસાડમાં વિજય રૂપાણીએ ગાડી પરથી જાતે જ ઉતારી લાલ લાઈટ

ગુરુવાર, 20 એપ્રિલ 2017 (15:00 IST)
કેન્દ્રીય કેબિનેટે બુધવારે દેશમાં વીવીઆઈપી કલ્ચરને સમાપ્ત કરવા લાલ અને વાદળી બત્તીના ઉપયોગ સામે

પ્રતિબંધ લાદી દીધો છે. જે 1 મેના રોજથી લાગુ થશે. જોકે, આજે ધરમપુરમાં ઓઝરપાડા ખાતે વોકેશનલ તાલીમ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની ગાડી પરથી લાલ લાઈટ જાતે જ ઉતારી હતી. જ્યારે ગુજરાતના અન્ય મંત્રીઓ અને કેન્દ્રના મંત્રીઓ પણ પોતાની કાર પરથી લાઈટ ઉતારી હતી. 

પંજાબ પછી ઉત્તરપ્રદેશની સરકારે મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળ અને અધિકારીઓની ગાડી પર લાલ લાઇટ હટાવીને વીઆઇપી કલ્ચર દૂર કરવાનો નિર્ણય કર્યા બાદ બુધવારે કેન્દ્રીય કેબિનેટે પણ પ્રકારનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત સરકારે તેને અનુસરીને મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને અધિકારીઓના વાહન પરથી લાલ લાઇટ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં માટેની બિકન પોલિસી તૈયાર કરીને અમલ શરૂ કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં આમ જનતા અને મંત્રીઓ, અધિકારીઓ એકસમાન છે તેવા અભિગમ સાથે કેન્દ્ર સરકારે લાલ લાઇટો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. તેના સમર્થનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિર્ણયને અનુસરવાનું નક્કી કર્યું છે. અમને કેન્દ્ર સરકારનું ડ્રાફ્ટ નોટિફિકેશન મળ્યું છે તેનો અભ્યાસ કર્યા બાદ ટૂંક સમયમાં અમલીકરણ કરવામાં આવશે.  નીતિન પટેલે કહ્યું કે, વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ગુજરાત સરકારે બિકન પોલિસી બનાવી હતી. જે પ્રમાણે હાલ વાહનોમાં લાલ લાઇટની મંજૂરી અપાય છે. હવે કેન્દ્રના નોટિફિકેશનના અભ્યાસ બાદ માત્ર પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બુલન્સ જેવા ઇમરજન્સી સર્વિસના વાહનોને લાઇટની મંજૂરી આપવામાં આવશે. પોલીસ અધિકારીઓને પણ તેમની પોસ્ટની સમીક્ષા કરીને તે પ્રમાણેની મંજૂરી આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો