વિદેશોમાં વસતા ગુજરાતીઓ સાથે રૂપાણીએ કરી વાત, ‘‘તમારા સ્વજનો પરિવારજનોની ચિંતા ગુજરાત સરકાર કરે છે તમે નિશ્ચિંત રહેશો’’
મંગળવાર, 14 એપ્રિલ 2020 (11:11 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂકના માધ્યમથી સંબોધન કરતાં વિશ્વવ્યાપી મહામારી કોરોના-કોવિડ-19 સામે સૌ સાથે મળીને વિજયી થઇશું એવો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે વિશ્વભરમાં વસેલા ગુજરાતી ભાઇઓ-બહેનો પરિવારજનોને સંબોધતાં ગુજરાતે આ વાયરસના સંક્રમણ અને વ્યાપને વધતો અટકાવવા કેળવેલી સજ્જતા અને આગોતરા સમયબદ્ધ આયોજનની પણ વિસ્તૃત ભુમિકા આપી હતી.
તેમણે જણાવ્યું કે, આજે આખું વિશ્વ કોરોનાની મહામારીના ઝપેટમાં છે, ત્યારે આપણા સૌ માટે આ એક ચિંતાનો વિષય છે. મને અલગ-અલગ જગ્યાઓથી અને વિવિધ માધ્યમો દ્વારા તમારા સંદેશાઓ મળતા રહે છે. હું તમારી ચિંતાને સમજી શકું છું કેમ કે, લાગણીના તારથી જોડાયેલા સૌ ગુજરાતીઓને એકબીજા માટેની ચિંતા થાય એ પણ સ્વભાવિક છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, ભારતમાં કોરોનાનો પ્રકોપ શરૂ થયો તે પહેલાં દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકોપ થઇ ચૂક્યો હતો. આ કેસ સ્ટડીને કારણે જ ભારતે અગમચેતીના ઘણા પગલાઓ હિંમતથી લીધા છે. ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા માટે પ્રખ્યાત એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતભરમાં લોકડાઉન જાહેર કરી દીધું છે.
વિજય રૂપાણીએ વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાઇઓ-બહેનોને વિશ્વાસ આપ્યો કે, આપ સૌ ગુજરાત માટે ચિંતિત છો. ત્યારે તમારા સગા-વ્હાલા, સ્વજનો અને સાડા છ કરોડ ગુજરાતીઓની ચિંતા ગુજરાતની સરકાર કરી રહી છે. તમારે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતે ભૂતકાળમાં અનેક વિપત્તીઓનો સામનો કર્યો છે ત્યારે સૌ ભેગા મળીને કોરોનાની આ વિપત્તીમાં પણ આપણે વિજયી થઇને બહાર આવીશું જ.
મુખ્યમંત્રીએ વિશ્વમાં વસતા ગુજરાતીઓની વિશેષ ચિંતા કરતા જણાવ્યું કે, તમે સૌ દુનિયાના અલગ-અલગ દેશોમાં છૂટા-છવાયાં રહો છો. ત્યાં સંક્રમણના સમાચારો અને સંક્રમણનું આક્રમણ પણ વધારે છે. અમેરિકા, ન્યુયોર્ક, ન્યુજર્સી, એલ.એ, સાથે-સાથે બ્રિટનમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે ત્યારે તમે બધા પોતાનું ધ્યાન રાખજો અને જ્યાં છો ત્યાં પોતાના ઘરમાં જ રહેજો.
તેમણે જણાવ્યું કે, તમે જે દેશમાં છો ત્યાંના નિયમો અને દિશા-નિર્દેશોનું પાલન કરતા જ હશો. આવા સમયે શરીર સ્વસ્થ રહે, મન પ્રફૂલ્લિત રહે તે માટે વિશેષ પ્રયાસો પણ કરવા પડશે. આનો પણ ઉત્તર આપણી ભારતીય પરંપરામાં જ છે. યોગાસન, કસરતો અને પ્રણાયમથી માંડીને અનેક વસ્તુ આપણા શરીરને ખૂબ મજબૂત બનાવે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ધ્યાન કરવાથી પણ એક પોઝિટિવિટી અને વિચારોની સાથે સાથે મન પણ ખુબ પ્રફૂલ્લિત રહે છે. જો આપણે રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો કરી દઇશું તો કોરોના સામેની મોટી જીત મળશે. આનો જવાબ પણ આપણા આયુર્વેદમાં છે. ગરમ પાણી પીવું, ગરમ પાણીના કોગળા કરવા, હળદરવાળું પાણી પીવું, હળદરવાળું દૂઘ પીવું આવા અનેક સમાધાનો અને ઘરગથ્થુ ઇલાજો આપણી પાસે પડેલા છે તેનો પણ વ્યાપક ઉપયોગ કરશો તેવી અપિલ તેમને કરી હતી.
ભારતમાં એક સુંદર નેતૃત્વ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યા છે ત્યારે ખૂબ સારાવાના થવાના છે. ભારત અને ગુજરાત સલામત છે. સાડા છ કરોડ ગુજરાતીઓ અને વિશ્વમાં વસતા ગુજરાતીઓ સૌએ સાથે મળીને આ કોરોનાનો સામનો કરીશું અને વિજયના વિશ્વાસ સાથે આગળ વધીશું એવી તેમને પૂર્ણ શ્રદ્ધા છે.
વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ પ્રકારની પરિસ્થિતિનો અંદાજો 15 માર્ચથી જ ગુજરાતે પબ્લિક અવેરનેસથી શરૂ કરી દીધો હતો. પબ્લિક પ્લેસિસ બંધ કરી દીધા, પબ્લિક ટ્રાન્સપોર્ટને સેનેટાઇઝ કર્યા અને ગુજરાતના 6 જિલ્લાઓમાં તો લોકડાઉન પણ શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું ત્યારે ગુજરાત વધુ સારી રીતે તૈયાર હતું. ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા અને આરોગ્ય માળખું પહેલેથી મજબૂત છે અને તેને જ કારણે ચીનનો પણ આપણે રેકોર્ડ તોડીને માત્ર 7 દિવસોમાં 2200 બેડની માત્રને માત્ર કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરી શક્યા.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં 100-100 બેડની એમ લગભગ 3000 બેડની વ્યવસ્થાઓ પણ ઊભી કરી દીધી. આજે 31 ખાનગી હોસ્પિટલો જે વાત્સલ્ય, મા અમૃત્મ જેવી યોજનાઓમાં સરકારની સાથે છે તેમાં પણ 4000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતે લગભગ 9,500થી 10,000 જેટલા બેડની આગોતરી વ્યવસ્થા કરી છે. જેમાંથી 1000 બેડ વેન્ટિલેટરથી સજ્જ છે.
ગુજરાતમાં ટેસ્ટિંગ, ટ્રિટમેન્ટ, કોરેન્ટાઇન, કલ્સટર કોરેન્ટાઇનની સુવિધાઓ હોવાને કારણે રાજ્યમાં કોરોનાના ફેલાવાને સિમિત રાખવામાં આપણે અંશત સફળ પણ થયા છીએ. અત્યારે ટેસ્ટિંગની સંખ્યામાં ઘરખમ વધારો કર્યો છે અને તેનો લાભ પણ આપણે લઇ રહ્યા છીએ. હવે આપણે વેન્ટિલેટર પણ ગુજરાતમાં જ બનાવીએ છીએ. એન-95 માસ્ક, થ્રી-લેયર માસ્ક, PPE કિટ પણ ગુજરાતમાં બનાવવામાં આવી રહી છે.
ગુજરાતની ફાર્મા કંપનીઓ પણ સમ્રગ વિશ્વમાં કોરોના સામે લડવાની પ્રાથમિક દવાઓ બનાવીને પૂરી પાડી રહી છે. આમ ગુજરાત પોતાનું ધ્યાન તો રાખી રહ્યું છે સાથે જ ભારતની ચિંતા કરીને અન્ય દેશોને પણ મદદ કરવા માટે ગુજરાત તત્પર છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, લોકડાઉનને કારણે કરોડો લોકોની જિંદગી અટકાઇ પડી છે. ત્યારે સૌને જીવન-જરૂરિયાતની વસ્તુઓ મળે એના માટે રાજ્ય સરકારે પણ ઉત્તમ વ્યવસ્થા કરી છે. દુઘ, શાકભાજી, કરિયાણું અને દવાઓ જેવી વસ્તુઓની લોકડાઉનમાં કોઇપણ તકલીફ ન પડે તેના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સમાજ-સેવી સંસ્થાઓ પણ આગળ આવી છે અને લગભગ 90 લાખથી પણ વધુ ફૂડ-પેકેટનું વિતરણ પણ રાજ્ય સરકાર કરી ચૂકી છે. પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના માધ્યમથી લગભગ સવા 3 કરોડ લોકોને મહિના ભરનું અનાજ, દાળ, ચોખા, ખાંડ વગેરે આપણે પૂરૂ પાડી ચૂક્યા છીએ. હવે બીજા સવા 3 કરોડ લોકો જે એપીએલ કાર્ડ ધારક હતા એવા લોકોને પણ 13મી એપ્રિલ તારીખથી અનાજ વિતરણ અને ફૂડ બાસ્કેટનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ કર્યુ છે. છેવાડાની જગ્યાઓમાં પણ અસરકારક રીતે અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોઇ માણસ ભૂખ્યુ ન સૂવે, કોઇ ગરીબ માણસ ભોજન વગરનું ન રહે, અન્ન વગરનો ન રહે તેના માટે અન્નબ્રહ્મ યોજના પણ લાગું કરી દીધી છે.