ગુજરાતના મોટાભાગના જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો ત્યારે કેટલાક જિલ્લાઓ એવા પણ છે જ્યાં હજુ સુધી કોરોનાની એન્ટ્રી થઇ ન હતી. તેમાં બનાસકાંઠાનો પણ સમાવેશ થતો હતો. પરંતુ હવે બનાસકાંઠા પણ બાકાત રહ્યો નથી. બનાસકાંઠામાં કોરોના સંક્રમણ ન ફેલાઇ તે વહીવટી તંત્ર દ્વારા દિવસ રાત ખડેપગ રહી મહેનત કરી રહ્યું છે. ગામડે ગામડે નાકાબંધી કરવામાં આવી છે છતા પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સૌપ્રથમ બે કેસ સામે આવ્યા છે. એકસાથે બે કેસ આવતા વહીવટી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે.
રવિવાર સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જોકે વાવ તાલુકાના મિઠાવી ચારણ ગામનો 5 વર્ષનો મહેક અરવિંદ વડાલીયા ગત 24 માર્ચે સુરતથી આવ્યો હતો. હોમ ક્વોરોન્ટાઈન દરમ્યાન છેક 5 એપ્રિલે તેને લક્ષણો આવતાં 7 એપ્રિલે ડીસા બાળકોના ડોક્ટરને ત્યાં ચેકઅપ કરાવ્યું હતું. ત્યારબાદ 11 એપ્રિલે રિપોર્ટ કરવામાં આવતા ગત મોડી રાત્રે કોરોના હોવાનું સામે આવ્યું છે. આથી આરોગ્ય વિભાગે મિઠાવી ચારણ ગામે તાત્કાલિક 10 તપાસ ટીમ રવાના કરી શંકાસ્પદ 30 વ્યક્તિને આઇસોલેટ કરવા કાર્યાવાહી શરૂ કરી છે.
આ સાથે પાલનપુર નજીક ગઠામણ ગામે પણ 55 વર્ષના વ્યક્તિને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ચંડીસર સીએચસી હેઠળ ગત 11 એપ્રિલે કુલ 86 સેમ્પલ લેવાયા હતા. જેમાં 55 વર્ષના એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં ગામમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પાલનપુર નજીકના વિસ્તારોમાં સઘન સર્વે કરી પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.