આગામી વાઇબ્રન્ટ સમિટમાં અમેરિકા, ઇંગ્લેન્ડ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા તૈયાર નથી

શનિવાર, 8 ડિસેમ્બર 2018 (11:57 IST)
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગત સમિટના ખમતીધર પાર્ટનર કન્ટ્રી અમેરિકા અને ઇંગ્લેન્ડે આ વખતે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવવા માટે હજુ સુધી ગુજરાત સરકારને સંમતિ આપી નથી. જેના કારણે બન્ને દેશ સમિટના ભાગીદાર દેશ તરીકે નહીં જોડાય તેવું ચિત્ર હાલ ઉપસ્યું છે. 

જો કે સરકારનો એવો દાવો છે કે અન્ય નવા દેશ આ વખતે પાર્ટનર કન્ટ્રી બન્યા છે તેના કારણે તેઓ છેક સુધી નહીં આવે તો પણ તેમની ખોટ વર્તાશે નહીં. યુકેમાંથી મોટું રોકાણ ગુજરાતમાં આવતું ન હતું. જ્યારે અમેરિકા ભલે સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે ન જોડાય પરંતુ તેનું મોટુ ડેલિગેશન સમિટમાં ભાગ લેવા આવી રહ્યું છે.
જાન્યુઆરી મહિનામાં ૧૮થી ૨૦ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે લોકસભા ચૂંટણી પહેલા ગ્રાન્ડ શો કહેવાય તે રીતે વાઇબ્રન્ટ સમિટની તૈયારી ચાલી રહી છે ત્યારે અમેરિકા અને યુકે જેવા દેશ હાલ પાર્ટનર કન્ટ્રી તરીકે નહીં જોડાય તેવું સ્પષ્ટ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં યુએસએ અને યુકે સહિતના દેશો સાથે સંબંધો સૌથી મજબૂત અને ગાઢ બન્યા છે ત્યારે જ મોટા દેશ સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાથી દૂર રહ્યા છે. 
ગુજરાત સરકારના વહીવટી તંત્ર દ્વારા યુકે સરકારનો સંપર્ક એકથી વધુ વખત કરાયો છતાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો ન હતો. યુકેમાં બ્રેકઝીટ પછીની આર્થિક સ્થિતિના કારણે આમ થયું હોવાનું બહાર આવી રહ્યું છે. ૨૦૧૭માં જે પાર્ટનર કન્ટ્રી હતા તેમાંથી ૨૦૧૯ના ગ્લોબલ સમિટમાં યુકે, યુએસએ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને સ્વીડનનો પણ હજુ સુધી સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકેની જાહેરાતમાં સત્તાવાર રીતે સમાવેશ કરાયો નથી. . મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘનો આ મુદ્દે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સમિટમાં દર વખતે પાર્ટનર દેશોમાં વધઘટ થતી રહી છે. આ બન્ને દેશ નહીં હોય તો બીજા દેશ પણ નવા જોડાયા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર