હનીમૂન માટે ફરવા ગયેલા ડોક્ટર દંપતિ વનુઆટુ આઇલેન્ડમાં ફસાયા

ગુરુવાર, 30 એપ્રિલ 2020 (13:16 IST)
વાપીનું ડોકટર દંપતિ હનીમુન માટે પોર્ટવિલાનાં વનુઆટુ આઇલેન્ડ પર માર્ચ મહિનામાં ગયા હતાં.પરંતુ કોરોના મહામારીનાં કારણે આંતરરાષ્ટ્રીય ફલાઇટો બંધ કરવામાં આવતાં આ દંપતિને ત્યાં જ રોકાઇ જવા માટ મજબૂર થવું પડ્યું હતું. જોકે લોકડાઉન લંબાઇ જતાં દોઢ મહિનાથી ડોકટર દંપતિએ એક મકાન ભાડે રાખી રહે છે. પણ આર્થિક તકલીફ ઉભી થતાં ડોકટર દંપતિએ ભારત આવવા માટે વડાપ્રધાન ,વિદેશમંત્રી,મુખ્યમંત્રીને ટવીટ અને મેઇલ દ્વારા જાણ કરી છે, પરંતુ સરકાર તરફ કોઇ જવાબ ન આવતાં નિરાશ હાથ લાગી છે. જેથી ડોકટર દંપતિનાં પરિવારજનોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું  છે. 
 
મળતી માહિતી અનુસાર વાપીના ડો. કૃણાલ રામટેકે અને ડો.પૂજા ટંડેલ વાપીની વાઇબ્રન્ટ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આ ડોક્ટર દંપતિના 10મી નવેમ્બરે લગ્ન થયા હતા. કામમાં બિઝી હોવાથી તે હનીમૂન માટે ક્યાં ફરવા ગયા ન હતા પરંતુ 15 માર્ચના રોજ તે હનીમુન માટે પોર્ટવિલાનાં વનુઆટુ આઇલેન્ડ રવાના થયા હતા. અને 24ના રોજ તેઓ ભારત ફરવાના હતા. 
 
પરંતુ 22મી માર્ચે લોકડાઉનનાં કારણે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ફલાઇટો બંધ થઇ જતાં ત્યાં ફસાઇ ગયા છે. લોકડાઉન ખુલ્લી જશે તેવી આશાએ દોઢ મહિનાથી ડોકટર દંપતિ ત્યાં મકાન ભાડે રાખી જાતે રસોઇ બનાવીને રહે છે. પરંતુ આર્થિક તકલીફ ઉભી થઇ છે. પોર્ટવિલામાં ભારતની એમ્બેસી ન હોવાથી ડોકટર દંપતિએ ફિઝીમાં ભારતની એમ્બેસીમાં સંપર્ક કર્યો છે. પરંતુ કોઇ મદદ મળી ન હતી. જેથી ડોકટર દંપતિ અને તેમના પરિવારજનો ભારે ચિંતામાં મૂકાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર