NDRF ટીમના જવાનોએ વૃદ્ધ મહિલા, લકવાના દર્દી સહિત ૩૧૩ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડયા

મંગળવાર, 27 જુલાઈ 2021 (10:30 IST)
વડોદરા નજીક જરોદ સ્થિત રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ (ndraf)ના જવાનોની ચાર ટીમો છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના કોલ્હાપુર-સાંગલી રસ્તા પરના અને પુરથી વિખૂટા પડેલા ગામોના લોકોને ઉગારવા માટે અવિરત પરિશ્રમ કરી રહી છે.
સવારથી બપોર સુધીમાં આ જવાનો એ રૂકડી ગામના એક લકવાપીડીત,એક વૃદ્ધ મહિલા અને એક શ્વાન સહિત શિરોલી ગામના ૧૮૯ પુરૂષો,૧૦૬ મહિલાઓ અને ૨૧ બાળકો સહિત ૩૧૩ લોકોને ઘૂઘવતા પાણીમાંથી બોટની મદદ થી ઉગારીને સલામત સ્થળે ખસેડયા હતા.
બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું હતું કે, શીરોલી નજીક ભરાયેલા પાણીને લીધે હાઇવે પર વાહન વ્યવહાર અટકી ગયો હતો જે આજે પાણી ઉતરતા ચાલુ થયો છે.
 
મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીએ આજે આ સ્થળની મુલાકાત લઇને કુશળ અને તાલીમબદ્ધ જવાનો દ્વારા થઈ રહેલી બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જવાનો ની નિષ્ઠા ને બિરદાવી ને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર