બનાસકાંઠા 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું કે, વડગામ તાલુકાના એક ગામની મહિલા અને તેમના ભાઇના સાટામાં 12 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. જોકે, ભાઇ-ભાઇ વચ્ચે મનમેળ ન થતાં છુટાછેડા થયા હતા. બીજી તરફ મહિલાને લગ્નજીવનમાં એક પુત્રનો જન્મ થયો હતો.અઢી વર્ષ અગાઉ પતિને અન્ય યુવતી સાથે અફેર હોઈ મહિલા પિયર આવી ગઈ હતી. પતિ બીજા લગ્ન કરતો હોવાની મહિલાને જાણ થતાં સાસરીમાં જઈ માતાજીના મંદિરે દર્શન કરવા જતાં પતિની બીજા લગ્નની કંકોત્રી જોઇ ચોંકી ઉઠ્યા હતા.
મહિલાએ અભયમની મદદ લેતાં મહિલા પોલીસ શિલ્પાબેન સાથે ગામમાં ગયા હતા. મહિલાને પોતાની જાણ બહાર 10 લાખ આપી સાસરીયાંઓએ છુટાછેડા આપ્યા હોવાનું જણાવતાં હોઇ અને પતિ બીજે લગ્ન કર્યા હોવાનું કહેતાં કાયદાકીય સલાહ આપી મહિલાને વડગામ પોલીસ મથકે મોકલાઇ હતી. તપાસ કરતાં મહિલાના સામાજીક રીતે છુટાછેડા થયા હોવાનું જાણવા મળ્યું છે. તેણી પિયરમાં પણ પરત જવાની ના પાડતી હોઇ નારી સંરક્ષણ કેન્દ્રમાં મુકવામાં આવી હોવાનું પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યુ હતું.
મહિલાને જન્મ આપ્યા પછી થોડાક જ દિવસોમાં માતાનું નિધન થતાં તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા.પિતાનું પણ નિધન થતાં વર્તમાન સમયે સાવકી માતા છે.પોતાના ભાઇના પણ સાટામાં લગ્ન કરેલા હોઇ તેના પણ છુટાછેડા કર્યા છે. સાસરીપક્ષના લોકો છુટાછેડા આપ્યા હોવાનું કહીં પતિને બીજી જગ્યાએ પરણાવવા માંગતા હોઇ તેણીએ 181ની મદદ લીધી હતી.