16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનું અભિયાન શરૂ થશે
સોમવાર, 11 જાન્યુઆરી 2021 (08:53 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે. ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે
. વિજય રૂપાણીએ પોતાના સોશીયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી સંબોધન કરતા રાજ્યના નાગરિકોને આ રસીકરણ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે.
ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે
.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે બે વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે તે મેડ ઇન ઇન્ડિયા છે તેનું ગૌરવ કરતા કહ્યું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્છા શક્તિ સાકાર થઇ છે. એટલું જ નહીં, આપણા વૈજ્ઞાનિકાએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રી એ અભિનંદન પણ આપ્યા હતા.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમા લગભગ 16 હજાર થી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે
કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજિયોનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાના સાધન-સામગ્રી ગુજરાતને મળી છે.
ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે વેક્સિન સેન્ટર ઉપર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે એક વેઇટિંગ રૂમ એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબઝરવેશનમાં રાખવા માટે પણ અલાયદો observation રૂમ રાખવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે પોતાની બધી જ તાકાત સાડા 6 કરોડ જનતાની સેવા માટે લગાડી દીધી છે. લોકડાઉન દરમ્યાન પણ આ સરકારે નાગરિકોને કોઇપણ આવશ્યક ચીજવસ્તુઓની સમસ્યા ઉભી નહોતી થવા દીધી. આ સરકારે નાગરિકોને ભૂખ્યા નહોતા સુવા દીધા. બી.પી.એલ કે એ.પી.એલ હોય રાજ્યના સાડા પાંચ કરોડ લોકોને વિનામુલ્યે અનાજ આ સરકારે પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીએ સર્જિકલ સ્ટ્રાઇક વખતે સેના ઉપર, ચૂંટણી હારે તો ઇવીએમ પર તેમજ રામ મંદિરના નિર્માણ સમયે ન્યાય તંત્ર પર સવાલો ઉઠવાનારા લોકો આજે નાગરિકો અને ડોક્ટરો સામે સવાલો ઉઠાવીને લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે તેની આલોચના કરી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાતના સાડા 6 કરોડ ગુજરાતીઓને અપિલ કરતા જણાવ્યું કે, આવી ભ્રમિત વાતો કે અફવાઓમાં આવવું નહીં.સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી તેમજ ગાઇડલાઇનને જ ફોલો કરવાનો આગ્રહ રાખવો. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રાઇયોરિટી મુજબ વેક્સિન તમામ નાગરિકોને અવશ્ય મળશે. નાગરિકો ધીરજ અને વિશ્વાસ રાખીને સરકારને સાથ અને સહકાર આપે. મુખ્યમંત્રીએ કોરોના સામેની લડાઇમાં ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, સફાઇ કર્મચારી જેવા કોરોના વોરિયર્સ નો ફ્રન્ટ લાઇન ઉપર નિ:સ્વાર્થ ભાવે સેવા કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.