ડૉ.નવીન ઠાકર: વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા નિષ્ણાત ડો. નવીનભાઈ ઠાકરે આ રસીકરણથી આડઅસર થશે તેવી ગેરમાન્યતાઓ દૂર કરતા જણાવ્યું હતું કે, કોઈપણ રસીકરણ બાદ સામાન્ય તાવ, થોડી અશક્તિ જેવી સામાન્ય અસરો થતી જ હોય છે જે આ કોવિડ-૧૯ ની રસી બાદ પણ થઈ શકે છે. પરંતુ કોઈપણ પ્રકારની ગંભીર આડઅસર આ રસીને કારણે થયેલી હોય તેવો એકપણ કિસ્સો નથી. એટલે નાગરિકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી.
ડૉ.નિશ્ચલ ભટ્ટ:
આ રસીની સલામતી અને અસરકારકતા ઉપર ભાર મૂકતા ડૉ.ભટ્ટે જણાવ્યું કે, આપણું શરીર કોરોના વાયરસને એન્ટીજન તરીકે ઓળખે અને તે પ્રમાણે વાયરસને રિસ્પોન્ડ કરી વાયરસને એક્ટિવ જ ના થવા દે તે પ્રકારની આ રસી છે. હાલ આ રસી ફેઝ ૩ માં છે. ખૂબ જ ક્લિનિકલ નિયમનોમાંથી આ રસી પસાર થઈ ચૂકી છે જે તમામ તબક્કે નાગરિકોની સલામતીને પ્રથમ અગ્રીમતા આપવામાં આવી છે. m-RNA પ્રકારની આ રસી હોવાથી વ્યક્તિના ડી.એન.એ.ને બદલી નાખશે તેવી બેબુનિયાદ વાતોમાં આવવું નહીં. આ લાઈવ વાયરસ વેક્સિન ન હોવાથી નાગરિકના ડીએનએને બદલી શકે નહિ.
ડૉ. સપન પંડ્યા:
કેન્સર, કિડનીની બીમારી, ટીબી, સહિત ગંભીર રોગો એટલે કે કોમોર્બિડ દર્દીઓને પણ આ રસી આપવામાં આવશે. તેનાથી કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. આવા દર્દીઓને એન્ટી બોડી રિસ્પોન્સ સામાન્ય વ્યક્તિઓ કરતા સામાન્ય ઓછો આવે તેવું શક્ય છે પરંતુ તે પણ કોરોનાને ફાઇટ આપવા પૂરતું હશે.
ડૉ. ભદ્રેશ વ્યાસ:
વિવિધ દેશોમાં મળીને ૩૫ લાખ જેટલા લોકોને રસી અત્યાર સુધીમાં અપાઇ ચૂકી છે, પરંતુ એક પણ કિસ્સો એવો નથી જોવા મળ્યો જેમાં આ રસીને કારણે કોઈ પણ ગંભીર આડ-અસર દેખાઈ હોય. એટલે અફવાઓ માં આવવું નહિ અને રસીથી આડઅસર થશે તેવી અફવાઓ ફેલાવવી નહિ. જે આપણા સૌના હિતમાં છે.